ભુજ નગરપાલિકાના `સેવાસેતુ'' કાર્યક્રમમાં 76 અરજીનો નિકાલ

ભુજ, તા. 21 : સરકારના સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગરના ઠરાવ મુજબ સરકાર દ્વારા રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાના વ્યક્તિલક્ષી પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તેવા ઉદ્દેશ સાથે મંગળવારે શહેર સુધરાઈ દ્વારા વ્યાયામ શાળા ખાતે વોર્ડ નં. 7 અને 8ના નાગરિકોના પ્રશ્નો માટે પાંચમા તબક્કાનો `સેવાસેતુ' કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ કામોની 76 અરજીનો નિકાલ કરાયો હતો. આ કાર્યક્રમ દરમ્યાન આધારકાર્ડ, મા-વાત્સલ્ય કાર્ડ, રાશનકાર્ડ વિગેરે બાબતે આવેલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.નગરઅધ્યક્ષા લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા, ગોદાવરીબેન ઠક્કર, ચીફ ઓફિસર નીતિન બોડાતે અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લઈ દર્દીઓને સાંત્વના આપી નગરપાલિકા દ્વારા પૂરતા સહકારની ખાતરી આપી હતી. આ પ્રસંગે નગરપાલિકાના હેડ ક્લાર્ક જયંત લિંબાચિયા, બિપિન ઠક્કર, હિતેન્દ્રસિંહ જાડેજા, ભાવિક ઠક્કર, વત્સલ ગુંસાઈ, ઉલ્લાસ બૂચ, વીનેશ અંતાણી, મનુભા જાડેજા તેમજ તમામ સંલગ્ન કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.