વિધાયકો લોકોના કામ નથી કરતા
ભુજ, તા. 21 : કોઇપણ વિષયની રજૂઆત હોય કે લોક પ્રશ્નો હોય હંમેશાં સત્યની પડખે રહેતા હોય અને સાચી વાત નિખાલસતાથી રજૂ કરનારા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આજે ભુજ ખાતેના એક કાર્યક્રમમાં ચૂંટાયેલા વિદ્યાયકો સામે જ તીર છોડયું હતું. તેમણે કબૂલ્યું કે જનતાના પ્રશ્નો રજૂ કરવામાં કોઇને રસ નથી, પોતાના ધંધા વધારવામાં જ બધા વ્યસ્ત રહે છે. આવા નિવેદનથી કચ્છ નહીં રાજ્યભરમાં પડઘો પડયો છે. પોતાને વાંચતાં-લખતાં નથી આવડતું અને ચિત્રોના માધ્યમથી વિધાનસભામાં રજૂઆત કરું છું એવું અગાઉ જાહેરમાં સ્વીકારી ચૂકેલા અબડાસાના કોંગ્રેસી ધારાસભ્યે આજે એક સાચી વાત છેડીને વધુ એક વિવાદ ઊભો કર્યો હતો. તેમણે કહ્યું કે લોકોમાં પણ જાગૃતિ નથી કે ચૂંટાયેલા પોતાના વિસ્તારના ધારાસભ્યને પૂછતા નથી કે અમે ચૂંટીને મૂક્યા છે તો તમે કેમ ધ્યાન નથી આપતા. વિધાનસભામાં ચૂંટાઇને આવતા દરેક પક્ષના વિધાયકો એ જે તે વિસ્તારના પ્રશ્નો ઉકેલવામાં રસ નથી લેતા, તેના કરતાં પોતાના ધંધા-રોજગાર વધારવામાં વધુ ધ્યાન આપે છે એ હકીકત છે. ખરેખર અંગત લાભને બદલે જનતાની શું સમસ્યા છે તેવી રજૂઆતો કરવી જોઇએ. લોકોના કામ નથી થતા એ સનાતન સત્ય છે, સામે મતદારો જાગૃત નથી, ચૂંટાયેલા ધારાસભ્યો જે તે વિસ્તારની સમસ્યા માટે ઝુંબેશ શા માટે ન ઉપાડે અને એ પૂછવાનું કામ તો નાગરિકોનું છે એમ કહીને તેમણે પોતાન જ અબડાસા મતવિસ્તારનો દાખલો આપ્યો કે જાગૃતિના અભાવે આપણી ખાણ બંધ થઇ ગઇ.વિધાનસભાના ગૃહમાં પ્રશ્નોની રજૂઆત કરવા મર્યાદિત કલાકો મળે છે છતાં સાચી રજૂઆતો કરવાને બદલે બીજા અંગત વિષયો, ધંધાની વાતોમાં વિધાયકો રચ્યા-પચ્યા રહે છે. ખરેખર પ્રજાકિય પ્રતિનિધિ માટે આ વાત સારી નથી તેવો સ્પષ્ટ મત તેમણે વ્યક્ત કર્યો હતો. આ નિવેદન આજે સાંજ પછી ઇલેકટ્રોનિક મીડિયામાં પણ છવાઇ ગયું હતું.