ગાંધીધામમાં સીઆઇડી ક્રાઇમને બેસવું છે પરંતુ કચેરી માટે જગ્યા નસીબ નથી થતી !

ગાંધીધામ, તા. 21 : જિલ્લાના આર્થિક મથક એવા આ સંકુલમાં દિવસે દિવસે ગુનાખોરીનો ગ્રાફ ઊંચકાઇ રહ્યો છે ત્યારે હવે અહીં સી.આઇ.ડી. ક્રાઇમની કચેરી માટે મંજૂરી મળી ગઇ છે. પરંતુ કરમની કઠણાઇ એ છે કે, અહીં કોઇ સરકારી જમીન નથી જેથી કચેરી ક્યાં ચાલુ કરવી તેના માટે તંત્ર દોડધામ કરી રહ્યું છે. પૂર્વ કચ્છ પોલીસ જિલ્લામાં અને તેમાંય ખાસ કરીને ગાંધીધામ સંકુલ  તથા તેની આસપાસની સોસાયટીઓમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. અગાઉ પણ સ્થાનિક પોલીસથી ન ઉકેલાયેલી ફરિયાદો અંગે સી.આઇ.ડી. ક્રાઇમ પાસેથી તપાસની માંગ ઊઠી જ હતી. અમુક ગુનાઓમાં સી.આઇ.ડી. ક્રાઇમે  તપાસ હાથ ધરી પણ હતી. પરંતુ જે-તે સમયે ગાંધીનગરથી ટીમો આવતી હતી. પશ્ચિમ કચ્છ માટે ભુજમાં સી.આઇ.ડી. ક્રાઇમનું યુનિટ કાર્યરત છે. તથા બોર્ડર રેન્જ સી.આઇ.ડી. ક્રાઇમની કચેરી પણ ભુજમાં છે. વર્ષ 2009માં પશ્ચિમથી પૂર્વ કચ્છ પોલીસ જિલ્લો જુદો પડયા બાદ હજુ પણ અમુક કચેરીઓ કાર્યરત થઇ નથી. ત્યારે હાલમાં  પૂર્વ કચ્છ માટે સી.આઇ.ડી. ક્રાઇમ યુનિટ કાર્યરત કરાયું છે. જેમાં એક પી.આઇ. અને ચાર પોલીસકર્મીઓ ફરજ બજાવશે. આ અંગે એક પી.આઇ. એવા એમ.બી. શેરગીલની  નિમણૂક પણ થઇ ગઇ?હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ કરમની કઠણાઇ એ છે કે, અહીં રાજ્ય સરકારની એકેય જમીન નથી. જેથી આ કચેરીનો પ્રારંભ થઇ?શકતો નથી. તેમ છતાં પોલીસ તંત્રએ રાજ્ય સરકારની  ગાંધીધામ સ્થિત અનેક કચેરીઓનો સંપર્ક કર્યો હતો અને બે જેટલા રૂમ ખાલી હોય તો હંગામી ધોરણે તેમાં  આ કચેરી શરૂ કરી શકાય પરંતુ આવી એકેય કચેરી અનુકૂળ આવે તેમ નથી. જેથી પૂર્વ કચ્છની સી.આઇ.ડી. ક્રાઇમની કચેરીને આડે જમીનનું ગ્રહણ નડી રહ્યું છે. સૂત્રોએ  જણાવ્યું હતું કે, જો આ પદ્ધતિ કામ નહીં કરે તો ક્યાંક ભાડાનું મકાન જોઇને તેમાં આ કચેરીને કાર્યરત કરવામાં આવશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer