ડેંગ્યુના કેસોમાં ઘટાડો થતાં હાથકારો

ભુજ, તા. 21 : કચ્છમાં ચારે બાજુથી દર્દીઓની મોટી સંખ્યાના આવતા અહેવાલો અને ઉભરાતા દવાખાનાઓમાં હવે ઘટોડો થતાં આરોગ્ય તંત્ર હાશકારો અનુભવી રહ્યું છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નરે જણાવ્યું કે, લોકોમાં જાગૃતિના પ્રયાસો લેખે લાગ્યા છે. દિવસા દિવસ બીમારી ઘટી રહી હોવાનું કહેતાં ઉમેર્યું કે, ઓક્ટોબરમાં 1879 ડેંગ્યુ પોઝિટિવ આવ્યા હતા તેમાં 600નો ઘટાડો થઇ 1288 થઇ ગયા છે. હવે સામાન્ય તાવના દર્દીઓ છે. જી.કે. જનરલ હોસ્પિટલમાં ચાલુ કરાયેલા ડે કેર અને લેવા પટેલ હોસ્પિટલને ટાંકીને દર્દીઓ ઘટયા હોવાનું ઉમેર્યું હતું.રોગચાળા નિયંત્રણની જવાબદારી છે તે સેનેટરી ઇન્સ્પેક્ટરની 171 જગ્યા ખાલી હોવા છતાં આરોગ્ય તંત્રની ટીમે પૂરતા પ્રયાસો કર્યા છે. 


ડેંગ્યુના એલાઇઝા પોઝિટિવને અપાતી સહાય  ડેંગ્યુનો એકમાત્ર એલાઇઝા ટેસ્ટનો પોઝિટિવ રિપોર્ટ માન્ય ગણાય છે જે કચ્છમાં એકમાત્ર જી.કે. જનરલમાં થાય છે. સરકારી દવાખાનેથી સારવાર અને એલાઇઝા પોઝિટિવ રિપોર્ટ આવે તેના બેંક ખાતામાં જિલ્લા પંચાયત દ્વારા રૂા. 600 જમા કરાવાય છે તેવું સીડીએચઓ ડો. કન્નરે જણાવ્યું હતું. કેન્દ્ર સરકારના નેશનલ વેક્ટર ઓન ડિસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામના તા. 9 જૂન 2019ના પરિપત્રમાં ડેંગ્યુ માટે માત્ર એલાઇઝા ટેસ્ટને પ્રમાણિત ગણવા જણાવાયું છે. એલાઇઝા કાર્ડ અને રેપિડ ડાયગ્નોસ્ટિક કીટ-એનએસ વનના પરીક્ષણને માન્યતા નથી અપાઇ. આ ઠરાવ 2015ની 21મી સપ્ટે.ના કેન્દ્ર સરકારના મંત્રાલયે મંજૂર કર્યો હોવાનું ડો. કન્નરે ઉમેર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer