કચ્છની પાણી સમસ્યા ઉકેલવા અંગે વિચારણા કરવા મંગળવારે મુલુંડમાં બેઠક

મુંબઈ, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી) : કચ્છમાં વરસાદનું પાણી દરિયા-રણમાં વહી જાય છે તેનો મોટા પાયે સંગ્રહ કરવા અને કચ્છની પાણી સમસ્યાના કાયમી ઉકેલ માટે શું કરવું ? તેની વિચારણા કરવા અંગે એક બેઠકનું આયોજન `પાણી બચાવો - કચ્છ બચાવો' અભિયાન તરફથી તા. 26-11ને મંગળવારે મુલુંડ ખાતે કરવામાં આવ્યું છે.આ બેઠકમાં અધ્યક્ષસ્થાને ઉદ્યોગપતિ ચંદ્રકાંત ગોગરી અને અતિથિવિશેષ તરીકે લાલજી શિવજી ભાવાણી ઉપરાંત અરુણભાઈ ભીંડે, મનજી ખીંયશી ભાનુશાલી, જાદવજીભાઈ ઠક્કર, ભરતભાઈ બારૂ, રાહુલભાઈ જોશી, અરવિંદભાઈ જોશી તેમ જ અન્ય આમંત્રિત હાજરી આપશે. મસ્કતવાસી કનકસિંહ ખીમજી રામદાસે ઊંડો રસ દાખવ્યો છે.`પાણી બચાવો - કચ્છ બચાવો' અભિયાનના નેજા હેઠળ આ બેઠક યોજવામાં આવી છે. અભિયાનના કન્વીનર કિશોર ચંદને આ માહિતી આપતાં જણાવ્યું કે, મુંબઈમાં સરોવરોનું પાણી પીવાય છે. સરોવરોમાં વરસાદી પાણીનો સંગ્રહ મોટા પાયે થાય છે તેમ કચ્છમાં મોટાં સરોવરો નથી, મોટા ડેમ નથી, વળી દુષ્કાળનો ભય દર વર્ષે રહે છે. આ વખતે સારો વરસાદ પડયો અને મોસમ પૂરી થયા પછી પણ વરસતો રહ્યો, જેના કારણે ખેતીને નુકસાન તો થયું. એ સાથે 90 ટકા પાણી દરિયા-રણમાં વહી ગયું. આ પાણીનો સંગ્રહ થયો હોત તો ? કિશોર ચંદને કહ્યું કે, કચ્છમાં ખેતીલાયક જમીનમાંથી 60 ટકા જમીનમાં ખેતી થતી નથી. કચ્છમાં મોટા ડેમ બાંધીને જળસંગ્રહ કર્યા સિવાય છૂટકો નથી. સરકારની યોજનાઓ છે. જેનો લાભ લેવાય એ સાથે ઉદ્યોગપતિઓનો સહયોગ મળે તો આ સપનું સાકાર થઈ શકે તેમ છે. આ કાર્યમાં વધુ ને વધુ કચ્છના હિતેચ્છુઓ જોડાય એ જરૂરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer