આદિપુર અપહરણ-બળાત્કારમાં 10 વર્ષની કેદ

ગાંધીધામ, તા. 21 : આદિપુરના અઢી વર્ષ અગાઉના અપહરણ અને બળાત્કારના પ્રકરણમાં આરોપીને અહીંની કોર્ટે 10 વર્ષની સજાનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આદિપુરમાં રહેતા એક શ્રમિકની દીકરી એવી કિશોરીનું લાલો ઉર્ફે નીલેશ રામજી ચારણ નામના શખ્સે અપહરણ કર્યું હતું. લગ્ન કરવાની લાલચ આપી આ શખ્સ કિશોરીનું અપહરણ કરી ગયો હતો. આ બનાવ અંગે તેના વિરુદ્ધ પોલીસ મથકે અપહરણ, બળાત્કાર, પોક્સોની કલમ 3, 4 મુજબ ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવની તપાસ હાથ ધરી પોલીસે આ શખ્સની ધરપકડ કરી હતી. તેના વિરુદ્ધ પૂરતા પુરાવા હોઇ અંતે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસ અહીંની બીજા અધિક સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો.આ પ્રકરણમાં મૌખિક દલીલો તથા દસ્તાવેજી આધાર-પુરાવા આરોપી વિરુદ્ધ જતાં તથા સરકારી ધારાશાત્રીએ જુદી જુદી દલીલો રજૂ કરતાં ન્યાયાધીશ આર. જી. દેવધરાએ આ આરોપી એવા લાલો ઉર્ફે નીલેશ ચારણને તકસીરવાન ઠેરવ્યો હતો અને તેને જુદી જુદી કલમ હેઠળ 10 વર્ષની સજા તથા રૂા. 7000નો દંડ તથા જો દંડ ન ભરે તો વધુ સજાનો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એવા ધારાશાત્રી મહેન્દ્રસિંહ આર. જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer