કચ્છમાં લવ જેહાદના કિસ્સા સામે હિન્દુ સંગઠન નારાજ

ભુજ, તા. 21 : 23 દિવસમાં હિન્દુ સમાજની 2 યુવતી અને 1 સગીર કિશોરીને વિધર્મીઓ દ્વારા બનાવવામાં આવેલા લવ જેહાદના શિકાર અંગે હિન્દુ યુવા સંગઠન દ્વારા કલેક્ટર સમક્ષ ધા નાખવામાં આવી હતી. કચ્છ સરહદી જિલ્લો છે અને ઘણા વર્ષોથી અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બન્યો છે. ગૌહત્યા, જાસૂસી, ડ્રગ્સની હેરાફેરી, ગેરકાયદે હથિયારો બનાવવા અને છેતરપિંડી જેવી અનેક પ્રવૃત્તિઓ હવે કચ્છમાં સામાન્ય થઇ ગઇ છે. આવી બધી દેશને તોડતી પ્રવૃત્તિઓની વચ્ચે  આવી લવ જેહાદની પ્રવૃત્તિ હિન્દુ સમાજ માટે ભયનો વિષય બન્યો હોવાની લાગણી પત્રમાં દર્શાવવામાં આવી છે. સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ રઘુવીરસિંહ જાડેજાની આગેવાની હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.પત્રમાં કેરા, ભુજ, ગુંદિયાળી ગામે બનેલા કિસ્સાઓનો વિસ્તૃત ઉલ્લેખ કરી આવા તત્ત્વો સામે પગલાં લેવાની માગણી કરવામાં આવી હતી. ભગાડી જવાયેલી યુવતીઓના મા-બાપ ચિંતિત છે અને પોતાની દીકરીઓને શોધવા સંઘર્ષ કરી રહ્યા છે. જલ્દીથી જલ્દી યુવતીઓને તેઓના પરિવારજનો સમક્ષ હાજર કરવામાં આવે, કારણ કે ભગાડી જનાર યુવાનો અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે અને પીડિત પરિવારોને એવો ડર છે કે તેઓની દીકરીઓને ક્યાંક ખોટા કામોમાં આ યુવાનો દ્વારા ઉપયોગ કરવામાં આવશે એવી પણ ભીતિ  તેમણે પત્રમાં વ્યક્ત કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer