સારસ્વત જ્ઞાતિના છાત્રોને એક લાખની શિષ્યવૃત્તિ

માંડવી, તા. 21 : અહીંની સારસ્વત એજ્યુકેશનલ સોસાયટી દ્વારા કચ્છના સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના વિદ્યાર્થીઓને દર વર્ષે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ વરસે રૂા. 1 લાખની શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના મહામંત્રી અમિતભાઇ માયરાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા છેલ્લા પાંચ વર્ષોથી સમગ્ર કચ્છમાં રહી અભ્યાસ કરતા સારસ્વત જ્ઞાતિના વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે શિષ્યવૃત્તિ સ્વરૂપે રોકડ પુરસ્કાર આપે છે તે રીતે ચાલુ વર્ષે સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને કુલ્લ 86 વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિના આવેદનપત્ર ભર્યા છે. સંસ્થા પાસે રહેલા જૂના ફંડ અને છેલ્લા બે વર્ષોથી ચૂંટાયેલા પ્રમુખ ગિરીશ લાલજી જોશીના પ્રયાસોથી ઊભા કરેલા નવા સ્રોતો કે જે રાષ્ટ્રીયકૃત બેંકોમાં ફિક્સ ડિપોઝિટ સ્વરૂપે છે તેનું વાર્ષિક આવતું વ્યાજ દર વર્ષે સમગ્ર કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં ખર્ચ થાય છે. ચાલુ સાલે સંસ્થાના આશરે 60થી 80 વર્ષ જૂના ફંડ જેવા કે નારણજી અર્જુન ધરાદેવ, પાર્વતીબેન પ્રધાન, લક્ષ્મીબેન રામજી જોશી ફંડ, રામજી ભવાનજી જોશી, વ્યાસ કલ્યાણજી લાલજી, મોંઘીબાઇ પરષોત્તમ કોટવાલ અને ડો. મનુભાઇ ભીમરાઓ પાંધી ફંડ અને છેલ્લા બે વર્ષમાં ઊભા થયેલા નવા ફંડ પુષ્પાબેન પુરુષોત્તમ છાંગાણી કાયમી સ્કોલરશિપ, લક્ષ્મીદાસ સુંદરજી માયરા, શીતલા માતાજી મંદિર ટ્રસ્ટ, ચંદાબેન પુરુષોત્તમ રત્નેશ્વર, જગન્નાથ વિશનજી સેથપાર, નર્મદાબેન કરસનદાસ ચઠ આ સર્વે દાતાઓ અને જેમની પુણ્ય સ્મૃતિમાં આ બધા ફંડનું નિર્માણ થયું છે, વિશેષમાં એ જમા થાપણોનું જે વ્યાજ આવે છે તે વ્યાજમાંથી શિષ્યવૃત્તિ દર વર્ષે સમગ્ર કચ્છના કોઇપણ ગામના ધોરણ 10 અને તેથી ઉચ્ચતર કોઇપણ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા સારસ્વત બાળકોને અભ્યાસ પ્રત્યે રુચિ જાગે તે અર્થે પ્રોત્સાહિત કરવા પુરષ્કૃત કરવામાં આવે છે. દિલીપભાઇ પી. જોશીએ તેમના પિતા સ્વ. પ્રાગજીભાઇ જેરામ સુડિયા-મુંદરાવાળા તથા માતા સ્વ. મંજુબેનની પુણ્ય સ્મૃતિમાં દાન આપી 5ાંચ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સ્પોન્સર કરી છે. એ જ રીતે માંડવીના સારસ્વત અગ્રણી સંસ્થાના કારોબારી સભ્ય વિનોદભાઇ કનૈયા, સંસ્થાના ઉપપ્રમુખ સુભાષભાઇ બલભદ્ર અને ભુજથી આવેલા આજીવન સભ્ય નીલભાઇ કનૈયા દરેકે એક-એક વિદ્યાર્થીઓને આપવાની થતી શિષ્યવૃત્તિની રકમનું દાન અર્પણ કર્યું છે તેવું યાદીમાં જણાવાયું હતું. પ્રમુખ ગિરીશભાઇએ જણાવ્યું હતું કે, આ સંસ્થા એકમાત્ર એવી સારસ્વત સંસ્થા છે કે જે છેલ્લા 65 વર્ષોથી પણ વધારે સમયથી સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિના બાળકોને શિક્ષણ પ્રત્યે અભિરુચિ જગાડવા સતત પ્રવૃત્ત છે. આ સંસ્થા ચેરિટી ટ્રસ્ટ ઓફિસ ગુજરાત સરકાર સાથે માંડવી શહેરથી રજિસ્ટર થયેલી છે, જેનું દર વર્ષે નાણાકીય હિસાબોનું નિયમિત રીતે ઓડિટ કરવામાં આવે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer