રાયની ભૂલોથી બીસીસીઆઇને નુકસાન

રાયની ભૂલોથી બીસીસીઆઇને નુકસાન
નવી દિલ્હી, તા. 18 : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પૂર્વ કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચૌધરીએ પ્રશાસકોની સમિતિના પૂર્વ અધ્યક્ષ વિનોદ રાયને લઈને આકરી ટીકા કરી છે અને કહ્યું છે કે પૂર્વ સીએજીના કારણે બોર્ડને ઘણું નુકસાન વેઠવું પડયું છે. વિનોદ રાય દ્વારા આપવામાં આવેલા ઈન્ટરવ્યૂના થોડા સમય સુધી મૌન જાળવી રાખ્યા બાદ અંતે ચૌધરીએ વિનોદ રાય ઉપર નિશાન તાક્યું છે. વિનોદ રાયને એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે આઈસીસીએ 2014ના રેવન્યુ મોડેલ પેટે જે રકમ આપવાનું વચન આપ્યું હતું તે બીસીસીઆઈને મળી છે આ સવાલના જવાબમાં રાયે કહ્યં હતું કે, તેઓએ કોષાધ્યક્ષને આ જ સવાલ કર્યો હતો. આ મામલે ચૌધરીએ કહ્યું હતું કે, વિનોદ રાયના નિવેદન ઉપર હસવું આવે છે કારણ કે તેઓને ક્રિકેટ પ્રશાસનની કોઈપણ જાણકારી નથી. વિનોદ રાયનો ઈન્ટરવ્યૂ ખોટા તથ્યો અને વાતો ઉપર આધારિત હતો. અનિરુદ્ધ ચૌધરીએ કહ્યું હતું કે, પૂર્વ સીઓએ અધ્યક્ષ દ્વારા બીસીસીઆઈ રેવન્યુ મોડેલને ખોટી રીતે રજૂ કરવું યોગ્ય નથી અને તેઓને વિનોદ રાય પાસે આવી આશા નહોતી. ચૌધરીએ ઉમેર્યું હતું કે, જે વ્યક્તિએ ત્રણ વર્ષ સુધી પ્રશાસન સંભાળ્યું છે તેને પ્રશાસનની થોડી પણ જાણકારી નથી. આ બાબત દુર્ભાગ્યપૂર્ણ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer