અગ્રવાલને વન-ડે ટી-20 માટે જોવી પડશે રાહ

મુંબઈ, તા. 18 : ટેસ્ટ ઓપનર મયંક અગ્રવાલે પહેલા દક્ષિણ આફ્રિકા અને પછી બાંગલાદેશ સામે રેકોર્ડ બેવડી સદી કરીને ક્રિકેટ વિશ્વમાં તહેલકો મચાવ્યો છે. ઈન્દોર ટેસ્ટમાં બાંગલાદેશ સામે તોફાની બેટિંગ કરતા 28 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 243 રન કર્યા હતા. જેના કારણે સિમિત ઓવરના ક્રિકેટમાં રમવાનો પણ દાવેદાર બન્યો છે. જો કે વર્તમાન સમયે વન-ડે કે ટી20માં મયંક અગ્રવાલને તક મળે તેવી શક્યતા ઓછી છે. ભારત આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 શ્રેણી રમશે. શ્રેણીની પહેલી મેચ 6 ડિસેમ્બરના રોજ મુંબઈમાં રમાશે. આ મામલે સૂત્રોના કહેવા પ્રમાણે વર્તમાન સમયમાં ટીમમાં ઓપનિંગ સ્લોટમાં જગ્યા જ નથી. રોહિત શર્મા અને શિખર ધવન સ્થાપિત ઓપનર છે. ટોપ ઓર્ડરમાં પણ મોટાભાગની જગ્યા ફિક્સ છે. તેમાં કેએલ રાહુલ છે અને વિન્ડિઝ સામે કોહલીની પણ વાપસી થશે. હવે આ પરિસ્થિતિમાં રોહિત શર્મા કે શિખર ધવનને આરામ અપાય તો જ મયંક અગ્રવાલ રમી શકશે. જો કે આ બન્ને બેટ્સમેન એવા છે જે ખૂબ ઓછી શ્રેણીમાં આરામ કરે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer