4.3ના આંચકાથી કંપી ઊઠયું કચ્છ

4.3ના આંચકાથી કંપી ઊઠયું કચ્છ
ભુજ, તા. 18 : માવઠાં અને કરાનાં મારથી સ્તબ્ધ થયેલો કચ્છી આજે સમી સાંજે 7 વાગીને એક મિનિટના અંતરે રિખ્ટર સ્કેલ પર 4.3 મેગ્નિટયૂડની તીવ્રતા સાથે આવેલા ભૂકંપના આંચકાથી ડર્યો હતો. ઠંડીના આગમનની હજુ તો ઘડીઓ ગણાય છે ત્યાં ધરાએ સહેજ ધ્રુજારી દર્શાવતાં 20 વર્ષ અગાઉના `કારીઘા' તાજાં થઇ ગયા હતા અને સૌ કોઇ એકમેકની ખેર-ખબર પૂછતા થયા હતા. લગભગ અર્ધા કચ્છે આ ભૂકંપની ધ્રુજારી પચ્છમથી ભુજ, અંજાર, ભચાઉ અને રાપર તાલુકામાં અનુભવી હતી. ધોળાવીરા રિસોર્ટમાં આંચકાથી ખુરશીઓ ધસી પડી હોવાનું સરપંચ જીલુભા સોઢાએ જણાવ્યું હતું. ભુજની બેંકર્સ કોલોનીમાંથી પરેશભાઇ ઠક્કરે, આંબલિયારાથી વિજયસિંહ મનુભા જાડેજાએ, તુગાથી રાયસલ નબા, ધમડકાથી અઝીઝ?ખત્રી, ચોબારીથી રામજી મેરિયા, સુમરાપોરથી મુસા સુમરા, ભચાઉથી કમલેશ ઠક્કર, ફતેહસિંહ જાડેજાએ આ ભૂકંપની ધ્રુજારીની વિગતો આપી હતી. સદ્નસીબે ક્યાંય કોઇ અમંગળ ઘટના ઘટી નથી કે નથી કોઇ નુકસાની થઇ. બબ્બે દાયકાથી ભૂકંપ ભોગવી રહેલા જાગૃતોએ ઊર્જા નિષ્કાસિત થઇ ગઇ?હવે મોટું જોખમ નથી તેવા શબ્દો સાથે આ ભય છુપાવવાનો પ્રયાસ કર્યો હતો પણ ભુજમાં અનુભવાયેલા વાગડ ફોલ્ટના આ ભૂકંપે ધરતીકંપના કાળા અધ્યાયની ચર્ચા પુન:?જગાવી દીધી છે. ચોબારી પંથકમાં સાત અને એક મિનિટે મોટી તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેને લઇને લોકોમાં ભયનું વાતાવરણ હતું. અનેક જણ ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. અભેરાઇ પરથી વાસણો પડયા હતા. રામજી મેરિયાના જણાવ્યાનુસાર આ આંચકો કચ્છમાં મોટાભાગે સર્વત્ર?નોંધાયો હોવાના સમાચાર ઠેરઠેરથી સાંપડી રહ્યા છે. રાપર, ભચાઉ, અંજાર, ભુજ સહિતના વિસ્તારોમાં 2001ની યાદ અપાવતો ભૂકંપનો આંચકો અનુભવાતાં લોકોમાં ફફડાટ?વ્યાપ્યો હતો. સદભાગ્યે કોઇ નુકસાની થઇ નથી. અમદાવાદ સિસ્મોલોજી કચેરીના જણાવ્યા પ્રમાણે આ આંચકો ભચાઉથી ઉત્તર-પૂર્વ 23 કિ.મી.ના અંતરે નોંધાયો હતો જેની ઊંડાઇ 15.7 કિ.મી. અને તીવ્રતા 4.3 મેગ્નિટયૂડ નોંધાઇ હતી. સોમવારે સાંજે 7.1 મિનિટના આ કંપનનું કેન્દ્રબિંદુ 23.500 ઉત્તરીય અક્ષાંસ અને 70.414 પૂર્વીય રેખાંશમાં ભચાઉથી ઉત્તર-પૂર્વે 23 કિ.મી. રણમાં નોંધાયો હતો. અત્રે એ નોંધનીય છે કે આજે સવારે 9.22 કલાકે 2.7 તીવ્રતાનો અને બપોરે 1 વાગ્યે 2.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, એ પછી 4.3નું ભૂ કંપન નોંધાયું હતું. રાપર શહેરમાં પણ આંચકો અનુભવાયો હતો અને લોકોમાં ભય ફેલાયો હતો. તાલુકાના રામવાવ, ખેંગારપર, સેલારી વિગેરે ગામોમાં પણ આંચકો અનુભવાયો હતો. સેલારીના વેપારી દિનેશભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, દુકાનમાં ખુરશી ટેબલ વિગેરે વસ્તુઓ હટી ગઇ હતી. ભચાઉથી મનસુખ ઠક્કરના હેવાલ મુજબ સંધ્યા આરતીના સમયે સખત ધ્રુજારી-અવાજ સાથે ભૂકંપનો આંચકો આવ્યો હતો. નાના બાળકો ડરના માર્યા રડવા લાગ્યા હતા. ભચાઉ, કડોલ, જડસા વગેરે ગામોમાં આંચકાની અસર જણાતાં એકબીજાના મોબાઇલ ફોનમાં પૂછતાછ કરવા લાગ્યા હતા. જડસાથી નિવૃત્ત વન અધિકારી જીવણભાઇએ જણાવ્યું કે, જડસામાં ઘરોમાં નળિયા-પતરાં ખખડયા તો નજીકમાં તોરણિયા, કંથકોટ, ધાડધ્રો વગેરેમાં પણ અસર વર્તાઇ હતી. છાડવાડામાં આઇ. જી. ગઢવી, ગાગલ બીજલભાઇએ જણાવતાં કહ્યું કે, ઘરમાં માંડણીમાં ગોઠવેલા પીત્તળના વાસણોની હારમાળા પડી જતાં અવાજ થયો. લાકડિયાથી વેપારી અમૃતલાલ કુબડિયાએ કહ્યું કે, વેપારીઓ દુકાન છોડી બજારના મધ્યમાં આવી ગયા હતા, ગ્રાહકો ખરીદી છોડી જતા રહ્યા હતા. પશુઓ ડરના માર્યા ખીલા છોડાવવા કૂદવા લાગ્યા હતા. ગૌશાળા-પાંજરાપોળોમાં પશુઓ મુંઝાઇ ગયા હતા. મનફરા, લલિયાણા, માય, લાખાવટ, કુંજીસર, રામવાવમાં આંચકાનું સામજીભાઇ આહીરે જણાવ્યું હતું. સામખિયાળી વેપારી મંડળ પ્રમુખ બાળા મોમાયાભાઇએ આંચકાની ગંભીરતા વધુ હોવાનું જણાવ્યું હતું. માનસ હનુમંતધામ નવા કટારિયાના સંત ભાનુપ્રસાદભાઇ શાત્રીએ નવા કટારિયા સહિત કાંઠાળપટ્ટીમાં આંચકાની જાણકારી આપી હતી. જૂના કટારિયા સરપંચ અશોકભાઇ પ્રેમજી પટેલે આંચકાની અસર વધુ ડરામણી હોવાનું કહ્યું હતું. કુડા જામપરથી જેરામભાઇ વેરાભાઇ આહીરે કહ્યું કે, ઘરમાં તમામ લોકોને ખબર પડી, ભય ફેલાયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer