હસ્તકલાક્ષેત્રે કચ્છની ચાર મહિલાઓના પોંખણા

હસ્તકલાક્ષેત્રે કચ્છની ચાર મહિલાઓના પોંખણા
ભુજ, તા. 18 : વિકાસની હરણફાળ સાથે કચ્છની સંસ્કૃતિ દેશ-વિદેશમાં કાઠું કાઢી રહી છે. ખાસ કરીને હસ્તકળાક્ષેત્રે ડંકો વગાડી કચ્છીઓ વિશ્વમાં નામના મેળવી રહ્યા છે. થોડા વર્ષ અગાઉ જ અજરખ બ્લોક પ્રિન્ટના ભચાઉના કસબીને શિલ્પગુરુનું બહુમાન પ્રાપ્ત થયું હતું ત્યાં ફરી એકવાર કચ્છી કળાના ચાર કારીગર અને તે પણ ચારેચાર મહિલાઓએ પરંપરાગત બાંધણી થકી દેશમાં સરહદી એવા આ જિલ્લાની ઝોળીમાં રાષ્ટ્રીય એવોર્ડ અર્પણ કર્યા છે. સરકારના વસ્ત્ર મંત્રાલયના વિકાસ આયુકત (હસ્તશિલ્પ) કાર્યાલય દ્વારા સમગ્ર દેશ માટે આયોજિત સ્પર્ધામાં 2017ના વર્ષ માટે 10 અને નેશનલ 25 એવોર્ડ જાહેર થયા હતા. જેમાં ગુજરાત રાજ્યમાં કચ્છે ચાર એવોર્ડ મેળવી ડંકો વગાડયો હતો. આ ચાર એવોર્ડ મેળવનારાઓમાં નૂરબાનુબેન મહમદ ખત્રીને શિલ્પગુરુનું બહુમાન પ્રાપ્ત થયું હતું. જ્યારે નસરીનબેન ફયાઝ હુશેન ખત્રીને નેશનલ એવોર્ડ, બિલકીશબાનુ અલીમામદ ખત્રી તથા ખેરૂનિશા અબ્દુલ અઝીઝ ખત્રીને નેશનલ મેરિટ એવોર્ડનું સન્માન પ્રાપ્ત થયું હતું. સરકાર દ્વારા હસ્તકળાના કારીગરોને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે હેન્ડિક્રાફ્ટ તથા હેન્ડલુમની સ્પર્ધા યોજવામાં આવે છે. જેમાં સરકારમાન્ય કાર્ડ ધરાવતા કારીગરો ભાગ લઇ તેમની કળા રજૂ કરતા હોય છે. આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં કારીગરો જોડાતા હોય છે. જે અંતર્ગત કચ્છની કળાને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવતી ડેવલપમેન્ટ કમિશનર હેન્ડિક્રાફ્ટ-ભુજ કચેરી દ્વારા સ્પર્ધા યોજી કારીગરીના નમૂના મગાવાયા હતા અને અહીંથી પસંદગી પામેલા કળાના નમૂના અમદાવાદ થઇ ઝોન વાઇઝ મુંબઇ અને ત્યાંથી દિલ્હી સુધી પહોંચે છે ત્યારબાદ ઉત્કૃષ્ટ કળાને રાષ્ટ્રપતિ હસ્તક નવાજવામાં આવે છે. શિલ્પગુરુ દંપતિ હસ્તકળાક્ષેત્રે ગરિમાવાન લેખાતાં શિલ્પગુરુનું બહુમાન મૂળ બારા (અબડાસા) અને હાલે ભુજનાં રહેવાસી 64 વર્ષીય તથા છેલ્લા 40 વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત નૂરબાનુબેન ખત્રીને પ્રાપ્ત થયું હતું.  આ બહુમાન મેળવવા માટે બાંધણીના ત્રણ બેજોડ નમૂના પસંદગી પામે તો જ પ્રાપ્ત થાય છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, નૂરબાનુબેનના પતિ મહમદ અલીમામદ ખત્રી (અધાભા)ને પણ 2007માં શિલ્પગુરુનું બહુમાન મળ્યું હતું અને કદાચ ભારતમાં આ સન્માન મેળવનારા પ્રથમ દંપતી હશે. આ ઉપરાંત નૂરબાનુબેનને 1995માં રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. ડિઝાઇનથી કલર સુધી મહેનત માગી લેતી બાંધણીમાં નિપૂણતા હાંસલ કરનારા નૂરબાનુબેનના પુત્ર જુનેદ તથા સલમાન પણ આ જ કળામાં નિપૂણ છે તેમજ આ પરિવાર અન્યોને પણ આ કળા શીખવી રહ્યા છે. તેમને શિલ્પગુરુ એવોર્ડ સાથે બે લાખનું રોકડ પુરસ્કાર, શિલ્ડ તથા પ્રમાણપત્રથી સન્માન કરાશે. બાંધણીમાં ત્રણ દાયકાની મહેનત તો, બાંધણીમાં બનારસી દુપટ્ટો કે, જેમાં સાત કલર સાથેની સિકારી ડિઝાઇન રજૂ કરી રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનારા 4પ વર્ષીય ભુજના નસરીનબેન ખત્રી છેલ્લા 30 વર્ષથી આ કામ સાથે જોડાયેલા છે. તેમના પતિ ખત્રી ફયાઝ હુશેને હેન્ડ બ્લોક પ્રિન્ટમાં વર્ષ 2000માં રાજ્યકક્ષાનો તેમજ 2002માં નેશનલ મેરિટ એવોર્ડ મેળવ્યો હતો. તેમની પુત્રી તરન્નુમ પણ બાંધણીમાં કોલેજ કક્ષાએ પુરસ્કૃત છે. આ ઉ5રાંત આ જ પરિવારના ઉમરભાઇ તથા ઇકબાલભાઇને નેશનલ એવોર્ડ તેમજ અબ્દુલભાઇ તથા તેમના પત્ની અફશાબાઇને બાંધણીમાં જોઇન્ટ એવોર્ડનું સન્માન મળ્યું હતું. એવોર્ડ સાથે એક લાખ રોકડ, શિલ્ડ તેમજ પ્રમાણપત્ર અર્પણ કરાશે. ભુજના બાવન વર્ષીય બાંધણી સાથે સંકળાયેલા કારીગર ખત્રી બિલકીશબાનુ અલીમામદ હસ્તકલા ઉદ્યોગ બાંધણીકામ (ટાઇ એન્ડ ડાઇ)માં દુપટ્ટો ક્રેપ સિલ્ક કસબ (લાલ-કાળો) શિકારી (મેમણ ફેશન) માટે રાષ્ટ્રીય મેરિટ સર્ટિફિકેટ માટે પસંદગી પામ્યા હતા. નાનપણથી કામનો લગાવ વંશ પરંપરાગત ધોરણે હસ્તકલા અને ખાસ કરીને બાંધણી ક્ષેત્રે નાની ઉંમરથી જ લગાવ ધરાવતા બિલકીશબાનુ છેલ્લા 35 વર્ષથી બાંધણી કામ કરે છે. મૂળ મુંદરાના આ કારીગર બહેને માતા ખતુબાઇ પાસે બાંધણી બાંધવાનું કામ શીખ્યું. લગ્ન પછી ભુજમાં પતિ અલીમામદ આસેમાણ (અફરોઝ ડાઇંગ) પાસેથી વધુ કામ રંગાટ, સૂતેણું કારીગરોથી કામ કરવું વિ.માં હથોટી કેળવી. તેમના પતિ અલીમામદને પણ નેશનલ એવોર્ડ તથા નેશનલ મેરિટ મળી ચૂક્યા છે. તેઓ ડી.સી.એચ.ના બાંધણી કલાસ વર્ષ 1991થી 94 સુધી ચલાવી 30 બહેનોને શીખવ્યું હતું. બે પુત્રો સરફરાઝ અને રમીઝ બાંધણી કામને આગળ ધપાવી રહ્યા છે. બિલકીશબાનુને વત્ર મંત્રાલય તરફથી રૂા. 75000, શિલ્ડ તથા પ્રમાણપત્રથી સન્માનિત કરાશે. બાંધણીનો દુપટ્ટો છવાયો આ ઉપરાંત અબડાસા તા.ના તેરાના રહેવાસી 51 વર્ષીય ખેરૂનિશાબેન અબ્દુલ અઝીઝને પણ નેશનલ મેરિટનું સન્માન પ્રાપ્ત થયું હતું. નાનપણથી જ આ કળાથી જોડાયેલા ખેરૂનિશાબેને તૈયાર કરેલો અને લગ્નપ્રસંગે બારિક વર્ક સાથે ટ્રેડિશનલ ડાઇનનો બાંધણીનો દુપટ્ટો સ્પર્ધામાં છવાયો હતો. આ જ પરિવારના જકરિયા ઉમરભાઇ તથા નવસાદ અલીને પણ અગાઉ બાંધણીમાં નેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે. નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરનારા કારીગર બહેનોને 75000 રોકડ સાથે શિલ્ડ તેમજ પ્રમાણપત્ર અપાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer