પ્લાસ્ટિક શરીર માટે `સાયલન્ટ કિલર'' બને છે

દિવ્યેશ વૈદ્ય દ્વારા
ભુજ, તા. 18 : ભારત જ નહીં વિશ્વભરમાં પર્યાવરણના રક્ષણ સામે મહાસમસ્યા બની ચૂકેલા પ્લાસ્ટિકથી જમીન, જળ, વાતાવરણને ભયંકર નુકસાન પહોંચ્યું છે તે વાત તો જગજાહેર છે અને તેની જાગૃતિ વધતી જાય છે પરંતુ આ પ્લાસ્ટિક માત્ર બહારના પ્રદૂષણને જ નથી વધારતું બલ્કે, માનવ શરીરમાં રક્તકણો અને સૂક્ષ્મકોષ સુધી પહોંચીને હુમલો કરી રહ્યંy છે. ખાસ કરીને ભારતમાં બીપીએ (બિસ્ફેનોલ એ) નામના હાનિકારક રસાયણથી બનતું પ્લાસ્ટિક માનવ શરીરમાં ઈસ્ટ્રોજન હોર્મોન્સની નકલ કરીને નિશ્ચિત પ્રક્રિયા ખોરવી રક્તકણોને તોડી નાખે છે, જે અંતે રોગોને જન્મ આપે છે અને `સાયલન્ટ કિલર'નું કામ કરે છે. આવું સંશોધન આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જર્નલ કેમેસ્ફીયરમાં તાજેતરમાં પ્રસિદ્ધ થયું છે અને તે કાર્ય થયું હતું કચ્છ યુનિવર્સિટીમાં પર્યાવરણ વિભાગની પ્રાધ્યાપકની ટીમ દ્વારા. 2014માં કેન્દ્ર સરકારનો `યંગ સાયન્ટિસ એવોર્ડ' જીતનારા વરિષ્ઠ પ્રાધ્યાપક ડો. મૃગેશ ત્રિવેદીને આ સિદ્ધિ બદલ એક ખાસ પ્રોજેક્ટ મળ્યો હતો. જેના પરિપાક રૂપે ડો. ત્રિવેદીના માર્ગદર્શનમાં યુનિ.ના સાથી પ્રાધ્યાપક ડો. જ્યોતિન્દ્ર ભટ્ટ, સંશોધનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વિદ્યાર્થિની દ્રુમા મિલિંદ વૈદ્ય, ચિરાગ પટેલ, સાગર પ્રજાપતિની ટીમે સંશોધન હાથ ધરી પ્લાસ્ટિકના શરીર પરના જોખમો વિશે ચોંકાવનારા તારણો આપ્યા છે. આ સંદર્ભમાં ડો. ત્રિવેદીનો સંપર્ક કરતાં તેમણે વધુમાં માહિતી આપતાં જણાવ્યું કે, પ્લાસ્ટિકની બનાવટમાં બીપીએ નામના એક પ્રાથમિક સૂક્ષ્મકણનો ઉપયોગ થાય છે. જે અનિવાર્ય છે. જો કે વિદેશમાં બીપીએ પર પ્રતિબંધ છે અને ત્યાં તેના વિના જ પ્લાસ્ટિક બનાવવાની છૂટ છે. ભારતમાં બીપીએના ઉપયોગથી પ્લાસ્ટિક બને છે. તેના વિના બહુ ખર્ચાળ પ્લાસ્ટિક બને છે. પાણીની બોટલ હોય, પાણીના પાઉચ હોય કે મેડિકલ સાધનો જેવી ચીજો હોય બધું બીપીએના ઉપયોગથી બને છે. આ બીપીએથી બનેલું પ્લાસ્ટિક જ્યારે ખાદ્ય પદાર્થ કે ખાદ્યની કોઈ ચીજો, પાણી, ઠંડાપીણા વિ. માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તાપમાનમાં ફેરફાર થાય તે સાથે જ પાણી-ખોરાકના માધ્યમથી બીપીએ આપણા શરીરમાં પ્રવેશ કરી ભયંકર નુકસાન કરે છે. ખાસ કરીને ગરમ પદાર્થ પ્લાસ્ટિક સપંર્કમાં આવે ત્યારે આ પ્રક્રિયા ઝડપી બને છે. બીપીએ નુકસાન તો કરે જ છે પરંતુ અમારા સંશોધનમાં નવું પરિણામ એ પણ મળ્યું છે કે બીપીએ શરીરમાં રહેલા ઈસ્ટ્રોજન હોર્મોન્સની જેવી જ નકલ કરી ગોઠવાય છે, જે નિશ્ચત પ્રક્રિયાને ગોથું ખવડાવી દે છે. જેના કારણે જરૂરી તત્વો નષ્ટ થતાં શરીરમાં ડાયાબિટીસ, સ્થૂળતા, એનેમિયા, કેન્સર, વંધત્વ જેવા ગંભીર રોગ ફેલાઈ શકે છે. યુનિવર્સિટીમાં રક્તકણ પર કરવામાં આવેલા પ્રયોગોમાં એવું પરિણામ મળ્યું છે કે, પ્રાણવાયુથી?શ્વસનક્રિયા માટે જરૂરી પ્રોટિન આઈએચવાયએનના રક્તકણો સાથે જોડાઈને આ બીપીએ સમગ્ર પ્રક્રિયા ખોરવી નાખે છે. શું આ પ્રક્રિયા સામે રક્ષણ ન મળી શકે તેવા સવાલ પર યુવા પર્યાવરણ વૈજ્ઞાનિક ડો. ત્રિવેદીએ ઉમેર્યું કે દ્રાક્ષ, કેરી તથા તમામ પ્રકારના બેરી ફ્રુટમાં એવા તત્વો છે જે રક્ષણ આપે છે. જેમાં ગેલિક એસિડ જેવા એન્ટિ ઓક્સિડન્ટ છે કોઈપણ વસ્તુ ખરીદતી વખતે 7 નંબરના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ. નોંધનીય છે કે, આ સંશોધન વિશ્વના 32મા ક્રમાંકિત વિજ્ઞાન જર્નલ `એલ્સેવીયર' પ્રકાશનના કેમોસ્ફીયરમાં પ્રકાશિત થયું છે. જેનો 5.10નો ઈમ્પેક્ટ ફેક્ટર (ક્રમાંક) છે. આ પ્રોજેક્ટમાં ઈ. રજિસ્ટ્રાર ડો. મહેશ ઠક્કરે માર્ગદર્શન આપ્યું હતું.