કંડલા એરપોર્ટનું ટર્મિનલ પડી ગયું ટૂકું !

કંડલા એરપોર્ટનું ટર્મિનલ પડી ગયું ટૂકું !
ગાંધીધામ, તા. 18 : કંડલા અમદાવાદ અને કંડલા મુંબઈ વચ્ચે ખાનગી કંપનીની વિમાની સેવા વચ્ચે આજથી કંડલા અમદાવાદ અને નાસિકની સીધી વિમાની સેવાનો સરકારી કંપની દ્વારા આરંભ કરાતાં કંડલા વિમાની મથક સવારથી પ્રવાસીઓની અવર-જવર અને વિમાનની ઘરઘરાટીથી ધમધમતું થયું હતું. પ્રથમ દિવસે જ પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાથી ટર્મિનલ ટૂંકુ પડયું હતું અને ભક્ત જાજા વૃંદાવન નાનું જેવો તાલ સર્જાયો હતો. `કેમ છો કંડલા'ના સૂત્ર સાથે આજથી શરૂ થયેલી આ સેવામાં કંડલાથી અમદાવાદ સુધીની સફર કરનારા સેન્ટ્રલ જી.એસ.ટી. કમિશનર પ્રમોદ વસાવે, એલાયન્સ એરના દિલ્હી સ્થિત માર્કેટિંગ વિભાગના વડા, મનુ આનંદ, કંડલા એરપોર્ટના ડાયરેક્ટર સંજીવ મેંગલ વિગેરેના હસ્તે આ ફલાઈટને ફલેગઓફ કરી પ્રસ્થાન કરાવાયું હતું. વિમાન નિર્ધારિત સમય પ્રમાણે એરપોર્ટ ઉપર આવી પહોચ્યું ત્યારે પાણીના ફુંવારા છોડી સલામી આપવામાં આવી હતી. આજની પ્રથમ સફરમાં 70 બેઠકની ક્ષમતા સામે 50 જેટલા પ્રવાસીઓ સાથે આ વીમાને નિર્ધારિત સમયે કંડલાથી અમદાવાદ માટે ઉડાન ભરી હતી. ફ્લાઈટ કંડલા આવી ત્યારે એલાયન્સ એર દ્વારા દીપ પ્રાગ્ટય કરી કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ દિવસે સંકુલના ઉદ્યોગ જગતના અગ્રણીઓએ સફર કરી હતી. જો કે એરપોર્ટનું ટર્મિનલ એકસાથે 50 પ્રવાસીઓની અવરજવર સામે સાંકડું પડયું હતું. ચેક ઈન કરતી વખતે અને પ્રવાસીઓના સામાનની તપાસ વેળાએ લોકોને ચાલવામાં પણ તકલીફ પડતી હતી. કંડલા એરપોર્ટના ડાયરેકટર શ્રી મેંગલે આ સેવા શરૂ થવાથી કચ્છના ઉદ્યોગ જગતને સારી સુવિધા મળશે અને રણોત્સવ સહિતના પ્રવાસનને સારો વેગ મળશે તેવો આશાવાદ સેવ્યો હતો. આ સેવા સોમવારથી શુક્રવાર સુધી રહેશે. હાલ કંડલાથી અમદાવાદનું ભાડું 1300 રાખવામાં આવ્યું છે. આ સેવાથી અમદાવાદથી બીજા શહેરોની કનેક્ટિવિટી વધુ પ્રમાણમાં મળશે. આજે રાજસ્થાન કલકતા જનારા પ્રવાસીઓની સંખ્યા વધારે પ્રમાણમાં હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer