ભુજમાં પાર્કિંગનો ઉપયોગ ધંધા માટે કરવા સામે તવાઇ

ભુજમાં પાર્કિંગનો ઉપયોગ ધંધા માટે કરવા સામે તવાઇ
ભુજ, તા. 18 : ભુજ શહેરમાં આડેધડ પાર્કિંગ અને દબાણના કારણે વકરતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સરકારનું તંત્ર કડક બન્યું છે. દિવાળી પહેલાં મોટા પાયે પેશકદમી દૂર કરાયા પછી હવે બાંધકામના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે તવાઇ આવી રહી છે. મોટા મોલ કે બેંકોએ પોતાની પાર્કિંગની જગ્યા સુનિશ્ચિત કરી હોવા છતાં એ જગ્યાનો ઉપયોગ અન્ય હેતુ માટે કરવામાં આવતાં ભાડા તંત્રે નોટિસ આપીને કાર્યવાહીની તાકીદ કરી છે. ભાડાનો હવાલો સંભાળતા અને ના.કલેકટર પદે આવેલા સનદી અધિકારી મનીષ ગુરવાણીએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે ધરતીકંપ પછી ભુજમાં ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળની સ્થાપના થઇ અને જી.ડી.સી.આર. પ્રમાણે બાંધકામ કરવાનો નિયમ અમલમાં આવ્યો હતો કારણ કે કચ્છ ધરતીકંપ ઝોન-6માં આવે છે એટલે રહેણાંકનું મકાન કે કોમર્શિયલ બાંધકામ પાર્કિંગના નિયમો સાથે કરવાનું હોય છે. ધરતીકંપ પછી બાંધકામ માટે લેવામાં આવેલી પરવાનગી વખતે અમુક કોમર્શિયલ હેતુ ધરાવનારી પેઢીઓએ પાર્કિંગ માટે જગ્યા બનાવી હતી. છતાં પાર્કિંગના બદલે એ જગ્યાનો બીજા હેતુસર ઉપયોગ કરવામાં આવે છે. આવી મિલકતોની ફાઇલો શોધવામાં આવતા પહેલા રાઉન્ડમાં ભાનુશાલીનગર પાસે રિલાયન્સ મોલ, જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે એચ.ડી.એફ.સી. બેંક, એકસીસ બેંક, સ્વાદ મોલ, જલારામ પાંઉભાજી, વગેરેએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે તેવું શ્રી ગુરવાણીએ જણાવ્યું હતું. ભોંયતળીયે પાર્કિંગ માટે જગ્યા અનામત રાખવાની હોવા છતાં આ જગ્યા પોતાના ધંધાના ઉપયોગમાં લઇ લેવામાં આવી છે ને ધંધાના સ્થળે આવતા ગ્રાહકોને પોતાના વાહનો જાહેર રોડ પર રાખવા પડે છે આ ચલાવી લેવામાં નહીં આવે તેવી તેમણે સ્પષ્ટ ચીમકી આપી હતી. રિલાયન્સ મોલ ભોંયતળીયામાં ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેવું તપાસમાં બહાર આવતાં નોટિસ આપી આ જગ્યા ખાલી કરાવાઇ છે અને આ જગ્યાએ વાહનો પાર્કિંગ કરાવવા જણાવાયું છે. એવી જ રીતે બાકીના સ્થળોએ પણ તાકીદ કરવામાં આવી છે. દર્શાવાયેલા હેતુ સિવાય જગ્યાનો ઉપયોગ કરવો ગુનો બને છે અને એ કરાવવા ભાડાની ટીમોને ફરી આજે પણ મોકલવામાં આવશે. મંજૂર નકશા પ્રમાણે તેનો ઉપયોગ કરાવવાની સૂચના અપાઇ છે બીજો ઉપયોગ કરવા દેવાશે નહીં આ જાતની ઝુંબેશ શહેરમાં ચાલુ રાખવામાં આવશે જ્યાં-જ્યાં ટ્રાફિકની સમસ્યા છે તે હળવી કરવા એક-એક ફાઇલો ચકાસવામાં આવશે તોજ સમસ્યાનો ઉકેલ આવશે કાયદાનું પાલન નહીં કરવામાં આવે તો તેની સામે આસી. કલેકટરે લાલ આંખ કરી મિલકતો સીલ કરવા સહિતની કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. ભુજમાં ભૂકંપ પછી આ જાતની કડક કાર્યવાહી પહેલી વખત થતાં ગેરકાયદે જમીનનો ઉપયોગ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી બાજુ તેમણે એમ પણ જણાવ્યું હતું કે પોતાના ઘર પાસે આડેધડ વાહન પાર્ક કરવું એ પણ ગુનો છે જ્યાં ઘર હોય ત્યાં પોતાની પાર્કિંગ વ્યવસ્થા જરૂરી છે બીજાના ઘર પાસે વાહનો પાર્ક કરવા સામે પણ ગુનો બની શકે છે આ બધા જ નિયમો ભુજમાં પણ આવશે કારણ કે દિન-પ્રતિદિન ટ્રાફિક વધતો જાય છે એટલે અન્ય કોઇ તેનો ઉકેલ નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer