સતપંથ સનાતન સમાજ વૈદિક ધર્મનું જ અંગ

સતપંથ સનાતન સમાજ વૈદિક ધર્મનું જ અંગ
કાઠડા (તા.માંડવી), તા.18 : પ્રેરણાપીઠ પીરાણા (અમદાવાદ)ના ગાદીપતિ જગદ્ગુરૂ સતપંથાચાર્ય નાનકદાસજી મહારાજ બ્રહ્મલીન થતાં તેમનો ષોડશી ભંડારો તથા ગા શાળાનું લોકાર્પણ સંત-મહંતો તથા તેમના અનુયાયીઓની ઉપસ્થિતિમાં 13 અખાડાના અધ્યક્ષ, હિન્દુ આચાર્યો, અખિલ ભારતીય સંત-સમિતિના સંતો ધર્મગુરૂઓ વગેરેની હાજરીમાં યોજાયો હતો, જેમાં નાનકદાસજીએ સનાતન ધર્મ માટે કરેલા કાર્યોને યાદ કરાયા હતા. પ્રારંભે સંતો-મહંતોના હસ્તે ગૌશાળાનું લોકાર્પણ કરાયું હતું, બાદ સ્ટેજ કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી મહારાજ, મહામંડલેશ્વરી ભારતીબાપુ, ભાનુપીઠના શંકરાચાર્ય જ્ઞાન નંદજી મહારાજ, ગીતદેવજી, મહામંડલેશ્વર ધર્મદેવજી, મહામંડલેશ્વરી દેવેન્દ્રનંદજી મહારાજ, કાલીદાસજી બાપુ, ઈશ્વરદાસજી મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી જીતેન્દ્ર દાસજી, જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ વગેરે શ્રદ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું હતું કે, સતપંથ સમાજ ધર્મરક્ષા, રાષ્ટ્રરક્ષા અને ગૌરક્ષામાં માને છે, તે વૈદિક ધર્મનું એક જ અંગ છે અને તે સતના પથ પર ચાલે છે. અનેક લોકોએ આ પથને તોડવા પ્રયાસો કર્યા છે, પરંતુ સત્યની હંમેશા જીત હોય છે અને નાનકદાસજીએ હંમેશા સત્યના માર્ગને અપનાવ્યો છે, જેથી તેમની પ્રગટાવેલી જ્યોત કાયમ ટકી રહેશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અંજલિ આપતાં કહ્યું હતું કે, પૂ. નાનકદાસજી મહારાજની ધર્મ પ્રત્યે નિષ્ઠા જીવનભર સેવાઓ આશીર્વાદ કેવી રીતે પહોંચતા તે આજે જોઈ શકીએ છીએ. ભારતભરના સંતો, મહંતો, પીઠાધીશ્વરો, મહામંડલેશ્વરો, શંકરાચાર્યો અહીં જોડાયા છે અને તેમના કાર્યોની નોંધ અહીં દેખાય છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડો. પ્રવીણભાઈ તોગડિયા, ધારાસભ્ય બાબુભાઈ પટેલ તથા કચ્છના સંતો પ્રેમદાસબાપુ, શિવરામદાસજી મહારાજ, જયરામદાસજી મહારાજ, દિવ્યાનંદજી મહારાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાટીદાર સતપંથના પ્રમુખ દેવજીભાઈ ભાવાણી, દાનાભાઈ ગોરાણી, ચંદુભાઈ પારસીયા, ટ્રસ્ટી મણીભાઈ ભાવાણી, ખીમજીભાઈ, મણીબાપા, અરવિંદભાઈ, પુરુષોત્તમભાઈ જેઠાલાલભાઈ સેંઘાણી વગેરે અગ્રણીઓ તથા કચ્છ, ગુજરાત, મુંબઈ સહિતના સ્થળોથી તેમના અનુયાયીઓ જોડાયા હતા અને નાનકદાસજી મહારાજના નામથી ગૌશાળા ખુલ્લી મુકાઈ હતી. અને પ્રાર્થના હોલનું લોકાર્પણ કરાયું હતું. સંચાલન ફેઝપુરના મહામંડલેશ્વર જનાર્દનહરિજી મહારાજે કર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer