રાપર મામલતદાર કચેરી પાસે જ રોગચાળાનું જન્મ સ્થળ પાંગર્યું

રાપર મામલતદાર કચેરી પાસે જ  રોગચાળાનું જન્મ સ્થળ પાંગર્યું
રાપર, તા. 18 : ડેંગ્યુના તાવે ચારે બાજુ ઉપાડો લીધો છે. અને ઘરે ઘર ખાટલા મંડાયા છે તેવા સમયમાં રાપરના વોર્ડ નંબર-7 મામલતદાર કચેરી પાસે એકાદ ફૂટ જેટલું પાણી ભરાયું છે, જેમાંથી 200 ઉપરાંત બાળકોને 1000 માણસોની વસાહતના લોકોને રોજ પસાર થવું પડે છે. મામલતદાર કચેરી અને રાડાની કચેરીને અડીને આવેલા અને પાણીના મુખ્ય ટાંકા બાજુ જતા, ઉચ્ચત્તર વિજ્ઞાન શાળા તથા ત્રિકમનગર વિસ્તારમાં  જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયેલું છે, નગરપાલિકા આ માર્ગને સમતળ બનાવે જેથી પાણી રોડ પરથી પસાર થઇને નીકળી જાય. આ પાણીમાંથી રોજ પાસેની સરકારી શાળાના 200 ઉપરાંત ભૂલકાઓને આવવા જવાનું હોય છે. તો કાયમી ધોરણે પાણી ભરાય નહીં તેવો માર્ગ બને તેવી લોક માંગ ઉઠી છે. આ ભરાયેલા પાણીના લીધે આસપાસના લોકોમાં રોગચાળો ફેલાવાનો પૂરો ભય છે જેથી તાત્કાલિક આ પાણી દૂર થાય અને માર્ગ એવો બનાવવામાં આવે કે ભવિષ્યમાં અહીં પાણી ભરાયેલું રહે નહીં તેવી પ્રબળ માંગ ઉઠી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer