જૂનાગઢમાં હતો ત્યારે ત્રણ ગણું વિક્રમી ઘાસ પેદા કર્યું !

જૂનાગઢમાં હતો ત્યારે ત્રણ ગણું વિક્રમી ઘાસ પેદા કર્યું !
દેશના બાર મહાબંદરગાહોમાં વર્ષોથી પ્રથમ રહેલા દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ એવા આઈ.એફ.એસ. અધિકારી સંજય કે. મેહતા સાથે ગોઠડી માંડી તો શરૂમાં જ તેમણે `કચ્છમિત્ર'ના આ નવતર પ્રયોગને ખુલ્લા દિલે આવકાર્યો હતો. ભૂતકાળ યાદ કરવામાં થોડો સમય લાગશે તેવું કહી, થોડી જ ક્ષણોમાં અંતરમન ખોલ્યું હતું અને જીવનની યાદગાર ક્ષણોને તેમણે અત્યંત પ્રસન્નતાથી વાગોળી હતી. બિહારના નાલંદા જિલ્લામાં જન્મેલા શ્રી મેહતાનો પરિવાર ધંધાના ક્ષેત્રમાં કાર્યરત છે. ગ્રામ્ય શાળામાં જ અભ્યાસ કરનારા આ અધિકારીએ કહ્યું હતું કે, બાળપણમાં મોજ-મસ્તી ખૂબ કરી પણ અભ્યાસમાં મન લાગ્યું એટલે  ગંભીરતા આવી ગઈ. 11મા ધોરણમાં ટોપર બન્યો એટલે પટણા યુનિવર્સિટીમાં પ્રવેશ શક્ય બન્યો. આમ તો શરૂઆતથી જ સિવિલ સર્વિસ તરફ ઝુકાવ હતો. એટલે વર્ષ 1987માં ચૂપચાપ (કોઈને કહ્યા વગર) ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (આઈ.એફ.એસ.)ની પરીક્ષા આપી. તે વખતે આવી પરીક્ષાનું પરિણામ જોવા પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (પી.આઈ.બી.)ની કચેરીએ જવું પડતું. અચાનક મિત્રએ કહ્યું, તેં આઈ.એફ.એસ.ની પરીક્ષા આપી છે ? મેં કહ્યું હા, તો તેણે તરત કહ્યું તો પછી કર ઈન્ટરવ્યૂની તૈયારી. ત્યારે ખબર પડી કે હું પાસ થયો હતો. ટોપ રેન્કિંગ મેળવવા મેં યુ.પી.એસ.સી.ની ત્રણ અને આઈ.એફ.એસ.ની બે એમ કુલ પાંચ પરીક્ષા આપી, તમામમાં ઉત્તીર્ણ થયો. 1989થી 90ના વર્ષમાં તો મેં જે કોઈ પરીક્ષા આપી તે તમામમાં હું સફળ રહ્યો એટલે એ વર્ષ યાદગાર હતું. 1987માં આઈ.એફ.એસ. પસાર કર્યું એટલે આત્મવિશ્વાસ વધી ગયો. એ વેળા મારું એમ.એસસી. ચાલતું હતું. (તેઓ બોટની વિષય સાથે એમએસ.સી. થયા છે.) પરીક્ષા આપવી કે નહીં તેવી અવઢવ હતી પરંતુ પછી પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થયો. આમ તો વિજ્ઞાન વિદ્યાશાખામાં વ્યાખ્યાતા તરીકે નોકરીની ઓફર આવી હતી પણ સિવિલ સર્વિસમાં જ જવું હતું એટલે ઓફર પડતી મૂકી. ગુજરાત કેડરમાં કેમ આવ્યા તેવું પૂછતાં આ બિહારના અધિકારીએ કહ્યું હતું કે, તે સમયે સ્વપસંદગી નહોતી. જો રાજ્યમાં ટોપર હોય તો જ તેને પોતાનું ગૃહરાજ્ય સનદી અધિકારી તરીકે મળતું. મારો રેન્ક ત્રીજો હતો. ઉપરાંત તે સમયે તો ગૃહ રાજ્યમાં જગ્યા જ નહીં હોવાથી પ્રથમ રેન્કને પણ અન્ય રાજ્યોમાં નિયુક્તિ થઈ. એ રીતે મારા ભાગે ગુજરાત આવ્યું. અન્ય એક સાથીને તો મણિપુર રાજ્ય મળતાં તેણે તો નોકરી છોડી દીધી. એ ન્યાયે હું મારી જાતને ગુજરાત જેવું રાજ્ય મળતાં ભાગ્યશાળી ગણું છું એવું તેમણે ઉમેર્યું હતું. વનવિભાગ સાથે ગુજરાતમાં સંકળાયો અને ડિસ્ટ્રીક્ટ ફોરેસ્ટ ઓફિસર (ડી.એફ.ઓ.) તરીકે રાજકોટ, જૂનાગઢ, કચ્છ સહિતના ઘણા સ્થળે કામ કર્યું. કચ્છની પૂર્વ રેન્જમાં વર્ષ 2002થી 2004 સુધી તેઓ કાર્યરત હતા. વન વિભાગની અત્યાર સુધીની નોકરીમાં જૂનાગઢ સિવાય ક્યાંય કાર્યકાળ પૂર્ણ કર્યો નથી. એવું કહીને તેમણે સૂચક હાસ્ય કર્યું હતું. જ્યારે સાબરકાંઠામાં તેઓ તાલીમી આર.એફ.ઓ. હતા ત્યારની એક ઘટનાને વાગોળતા તેમણે કહ્યું હતું કે, અસ્તકુંભા ગામમાં જંગલમાંથી એક દીપડો ઘૂસી આવ્યો હતો. જેની જાણ થતાં હું એક ડંડા સાથે ધસી ગયો હતો અને દીપડા તથા ગ્રામજનો બંનેને દોઢ કલાક સુધી આ દંડાના સહારે નિયંત્રિત કર્યા હતા. સદ્નસીબે દીપડો જાતે જ પુન: જંગલમાં ચાલ્યો ગયો હતો પરંતુ તે સમયના ડી.એફ.ઓ.ને આ ઘટનાની જાણ થતાં તેઓ ખૂબ નારાજ થયા હતા. અલબત્ત યુવાનીનું એ જોશ હતું પણ તેની પછવાડે કામ કરવાની ધગશ પણ હતી. ગુજરાત દેશનું સૌથી મોટું ઘાસ ઉત્પાદન રાજ્ય છે. રાજ્યનો વનવિભાગ ઘાસ પેદા કરી, ખરીદી કરીને દેશને પૂરું પાડે છે. રાજ્યની આ ગ્રાસ લેન્ડના વિકાસ ક્ષેત્રે એસ.કે. મેહતાના નેતૃત્વમાં જે વિક્રમી અને નેત્રદીપક કામગીરી થઈ તેની વિગતો વર્ણવતા ડીપીટી અધ્યક્ષે કહ્યું હતું કે, જૂનાગઢમાં તેઓ નિયુક્ત થયા તે અગાઉ 30 વર્ષના ગાળામાં વાર્ષિક સરેરાશ 60 લાખ કિલો ઘાસનું ઉત્પાદન-ખરીદી થતી હતી. તેમના નેતૃત્વમાં વનવિભાગની ટીમોએ અથાક કામગીરી કરતાં વાર્ષિક 180 લાખ કિલો ઘાસ એકત્ર થયું છે એ એક વિક્રમ છે. આવી કામગીરી જૂનાગઢ રેન્જમાં થતાં તેણે કીર્તિ અપાવી સાથે સાથે એક સંતોષ પણ આપ્યો. એક સારી ટીમ ઊભી થાય તો પરિણામલક્ષી કામ થઈ શકે છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે તેવું તેમણે ઉમેર્યું હતું. વનવિભાગમાં તેની લગભગ તમામ વિંગમાં કામ કરવાનો મોકો મળ્યો. જેથી ખૂબ અનુભવ મળ્યો. એવી જ રીતે ડેપ્યુટેશન ઉપર ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, માનવ સંસાધન વિભાગ વગેરેમાં પણ કામ કર્યું છે. અલબત્ત આ પોર્ટ સેક્ટર મારે માટે નવું છે. અહીં પણ ટીમ ઊભી કરીને સારું કામ આપવાનો મારો પ્રયાસ છે. કચ્છ વિશે તો કહેવાય છે કે અહીં અધિકારી રોતાં રોતાં આવે છે અને રોતાં રોતાં જાય છે. આ વાતથી હું સુપેરે પરિચિત છું. એટલે જ 2002માં કચ્છ આવ્યો ત્યારેય ખુશ હતો અને અત્યારે પણ છું. ગાંધીધામ ટાઉનશિપની ઘન કચરા નિકાલની સમસ્યા ઉકેલવામાં હું સહયોગી બનવા તૈયાર છું. સુધરાઈ પ્રમુખે મને બે એકર જમીન માટે વિનંતી કરી છે અને તે માટે યોગ્ય પ્રયાસ હું કરીશ. પ્રશાસનને લાગે-વળગે છે ત્યાં સુધી ઉપાધ્યક્ષની ખાલી પડેલી જગ્યા તરતમાં ભરાશે તેવો ઈશારો પણ તેમણે કરતાં ગોઠડીને વિરામ આપ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer