કચ્છનું સંશોધન માગતું સ્થાપત્ય : વડી મેડી

કચ્છનું સંશોધન માગતું સ્થાપત્ય : વડી મેડી
પુરાતત્ત્વ ક્ષેત્રે કચ્છ અંધૌના ક્ષત્રપ શિલાલેખો અને પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં મળી આવતી હડપ્પીય વસાહતોને કારણે આજે વધુ જાણીતું બન્યું છે. જો કે કચ્છનો મધ્યકાલીન ઈતિહાસ પણ પુરાતત્ત્વ ક્ષેત્રે યાદગાર છે. કેરા, કંથકોટ, અંજારનું ભડેશ્વર, કોટાય વગેરે મંદિરોનું સ્થાપત્ય બેનમૂન છે. આ જ સમયનું એક એવું સ્થાપત્ય બહુ ઓછું ચર્ચામાં આવ્યું છે તે ભુજથી નખત્રાણા જતાં માર્ગમાં પુંઅરેશ્વરની દક્ષિણ દિશામાં એક પ્રાચીન વસાહત પદ્ધરગઢ આવેલી છે. ગઢ જો કે ચારે તરફથી ખખડી ગયો છે, પણ આ ગઢની અંદર વડી મેડી તરીકે ઓળખાતું એક મહેલ જેવું સ્થાપત્ય ઊભું છે. મધ્યમ કદના મંદિરો કરતાં મોટા એવા આ સ્થાપત્ય વડી મેડીનું તલમાન ઉત્તર- દક્ષિણે ર1-ર0 મીટર અને પૂર્વ પશ્ચિમ 18- 8પ મીટરનું માપ ધરાવે છે. તેના ભોંયતળિયાં ઉપરાંત ઉપર એક માળનું બાંધકામ પણ છે. મુખ્ય માર્ગથી પણ દેખાય છે. ગુજરાતના ઈતિહાસના અધિકૃત પ્રકાશનોમાં પણ આ સ્મારકનો ઉલ્લેખ નથી કરાયો એ એક આશ્ચર્યજનક લાગે છે. વડી મેડીના નજીકના જ પુંઅરેશ્વરની નોંધ લેવાઈ છે જ્યારે તેની લગોલગ જ આવેલું આ સ્મારક ચુકાયું તે હેરત જરૂર પમાડે. આ સ્થાપત્યને લોકો પુંઅરાના મહેલ તરીકે ઓળખે છે. ઈતિહાસમાં કિવદંતીમાં ઉલ્લેખાયેલા રા પુંઅરા અને જખના પ્રસંગો આ મહેલમાં ઘટયા હોય એવું પણ સંભવી શકે તેવું પુરાતત્ત્વવિદ દિનકરભાઈ મહેતાનું માનવું છે. દિનકરભાઈ આ સ્થાપત્ય અંગે આગળ નોંધે છે કે, આ સ્થાપત્ય કદમાં મોટું છે. તેની ઉત્તરમાં થોડો ભાગ આગળ વધારી સોપાન બનાવાયા છે. તેની અન્ય કોઈ બાજુએ સોપાન નથી આથી આ સ્થાપત્ય ઉત્તરાભિમુખ હોવાની શકયતા છે. મંદિરની જગતીની જેમ જ આ સ્થાપત્ય પણ વેદીબંધ છે. વેદીબંધ ચારે તરફથી તૂટેલ હોવા છતાં તેની દક્ષિણ- પૂર્વનો થોડો ભાગ બચી ગયો હોઈ તે વેદીબંધ છે તેવું કહી શકાય. આ સ્થાપત્યની જગતીની ઊંચાઈ દોઢ મીટર છે. તેના ઉત્તર તરફ આવેલાં પગથિયાં પસાર કર્યા પછી તેની પૂર્વ અને પશ્ચિમ દિશામાં ખુલ્લી જગ્યા છે પરંતુ નષ્ટ થયેલી દીવાલોમાં બન્ને બાજુની શિલાઓ એક સમયે ત્યાં દરવાજાઓ હશે એવું અનુમાન કરવા પ્રેરે છે. મુખ્ય પ્રવેશદ્વારની સામે નાનો ચોક છે. સ્થાપત્યના સમાન્ય સ્તરથી આ ચોક થોડો નીચો છે. પાણીના નિકાલ માટે ઉત્તર તરફ પાણીની નીક બનાવવામાં આવી છે જે પૂર્વની તરફ ફંટાઈ જાય છે. આ જળમાર્ગનો એક છેડો ચોકમાં અને બીજો છેડો પૂર્વની દીવાલમાં જોઈ શકાય છે, જેથી આખા સ્થાપત્યના પાણીના નિકાલની સુંદર વ્યવસ્થા અહીં જોઈ શકાય છે. મધ્યમાં આ ચોકની ત્રણે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ તરફની દિશામાં દ્વારશાખ જોઈ શકાય છે દ્વારશાખ સિવાયનો ભાગ પડી ગયો છે. અત્યારે કુલ સાત દ્વાર આ મહાલયના હશે એવું અનુમાન દેખાતા પુરાવાઓ ઉપરથી કરી શકાય છે. દ્વારશાખ સિવાય કોઈ પથ્થર કે દીવાલ નથી. દ્વારશાખ અલંકૃત છે. એક દીવાલની દ્વારશાખમાં નૃત્ય કરતા તાપસો જોઈ શકાય છે. પૂર્વ તરફના દ્વારશાખના લલાટાબિંબમાં ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું છે. જ્યારે નીચેના ભાગે બુદ્ધ કે જૈન તીર્થંકરની પ્રતિમા જણાય છે. આ પ્રતિમા બુદ્ધ કરતાં તીર્થંકરની હોવાને વધુ માન્યતા પુરાતત્વવિદો્ આપે છે. તેની બીજી તરફ આસનસ્થ સૂર્ય છે. પશ્ચિમ તરફની દીવાલના દ્વારશાખની નીચેના ભાગે ગણેશ દંપતીના દર્શન થાય છે, જ્યારે બીજી તરફના શિલ્પો ઘસાઈ ગયા હોઈ ઓળખી શકાતા નથી. વડી મેડીના સાત દ્વારશાખમાંથી ત્રણ ઊભી છે બાકીની દ્વારશાખના ઉંંબર જ જોઈ શકાય છે. અહીં નાના મોટા અને અર્ધા મળી કુલ 30 સ્તંભો આવ્યા છે. જેમાં 18 સ્વતંત્ર અને 1ર અર્ધા સ્તંભો છે. આખાંય પરિસરમાં દીવાલો કયાં હશે તે અનુમાન કરવું મુશ્કેલ છે. બે માળના આ સ્થાપત્યમાં ઉપરના માળે જવાના પગથિયાં કઈ તરફ હશે તે પણ જોઈ શકાતું નથી. નીચેના માળના સ્તંભોમાં શણગારેલી માનવ આકૃતિઓ જોઈ શકાય છે જ્યારે ઉપરના માળના સ્તંભોમાં અલંકૃત પ્રાણીઓ અને કીચક કોતરાયેલા દેખાય છે. આ સ્થાપત્ય શેનું હશે તે સમજી શકાતું નથી. તેની ઓળખના અભાવે જ કદાચ ગુજરાતના ઈતિહાસમાંથી તેની બાદબાકી કરાઈ હશે ? આ સ્થાપત્ય કોઈ મંદિર હોય તેવું તો જણાતું નથી કારણ કે અહીં દેવાલયના કોઈ ચિન્હો જોવા મળતાં નથી. એક પણ જગ્યાએ ગર્ભગૃહના આધારો પણ મળતા નથી. વિતાનો પણ સાદા પાટડાના સમાન્ય છે, જો કોઈ દેવાલય હોય તો તે અલંકૃત હોય. આ સ્થાપત્ય કોઈ મહાલય હોય તેમ પણ માની શકાય એમ નથી કારણ કે ગુજરાતમાં કયાંય પણ આ પ્રકારના મહાલય જોવા મળતા નથી, તેમ મહાલયમાં આ પ્રકારના દ્વારશાખ પણ હોવાની સંભાવના ઓછી છે. વડી મેડીનું આ સ્થાપત્ય પાશુપતાચાર્યનો શૈવમઠ પણ હોઈ શકે તેવું અનુમાન કરાય છે, મધ્યકાળમાં આવા મઠ હોવાના આધારો મળે છે. જો કે વડી મેડીનું સ્થાપત્ય તો અજોડ જ છે. મધુસુદન ઢાંકીના મતે આ સ્થાપત્ય દશમી સદીનું છે. એ સમયે સોલંકી રાજવી ભીમદેવ પહેલાએ કચ્છમાં શૈવ આચાર્ય અજપાલને ભૂમિદાન કર્યુ હતું અને શૈવ આચાર્ય અજપાલ શૈવમઠના અધિપતિ હતા.આથી આ વડી મેડીનું સ્થાપત્ય પણ શૈવમઠ હોવાનું અનુમાન કરી શકાય છે. સ્મારકનો સમય પણ પુંઅરાનો સમકાલીન દશમી સદીનો છે તેથી તે શૈવ મઠ હોઈ શકે. વડી મેડીનું આ સ્મારક શિવમંદિરને સંલગ્ન હોય તો તેનો નિર્માણ કાળ પણ દશમી સદી માની શકાય. ભીમદેવે ભૂમિદાન આ મઠને આપ્યું હોય તો તે આ જ શૈવમઠ હોઈ શકે તેવું માની ચાલીએ તો આ સ્થાપત્ય એ ગુજરાતના પાશુપત મઠો માનો એક ઉત્તમ નમૂનો માની શકાય. જોકે રામાસિંહજી રાઠોડ તેને પુંઅરાનો મહાલય ગણાવે છે. આમ, આ સ્થાપત્ય ખરેખર શાનું છે તે સંશોધનનો વિષય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer