ચાતુર્માસને એક યાદગાર સંભારણું બનાવવા હાકલ

મુંદરા, તા. 18 : તપગચ્છ જૈન સંઘ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે જૈન સંઘ ચાતુર્માસની પૂર્ણાહુતિએ ચાતુર્માસ નિશ્રાપ્રદાન કરનાર સાધ્વીજી પદમદર્શનાશ્રીજી મ.સા. આદિઠાણાનો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદાય સાથે વિહારની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. મ.સા.એ જિનાલયમાં માંગલિક ફરમાવતાં ગચ્છાધિપતિ સિદ્ધાંત દિવાકર આચાર્ય શ્રીમદ વિજય જયઘોષસૂરીશ્વર મ.સા. તાજેતરમાં કાળધર્મ પામ્યા તેની જીવન ઝરમર વર્ણવી હતી. ચાતુર્માસમાં મહત્વની કામગીરી અદા કરતાં વિનોદભાઈ ફોફડિયાએ આ ચાતુર્માસને એક યાદગાર સંભારણારૂપ ગણાવતાં સંતોને ફરી મુંદારામાં આવવા વિનંતી કરી હતી. પંકજભાઈ શાહે ચાતુર્માસ દરમ્યાન ભાવિકોને વધુને વધુ ધર્મારાધના તરફ વાળવાના મ.સા.ના અથાગ પરિશ્રમ અને પ્રેરણાને બિરદાવી વિહારની શુભકામના પાઠવી હતી. અંતમાં મ.સા.એ જણાવ્યું હતું કે, આ ચાતુર્માસને અમો ક્યારે પણ ભૂલશું નહીં. મુંદરા નાનો સંઘ છે, દેવ-દર્શન પૂજા નિયમિત કરવા જણાવ્યું હતું. જીવદયા પર ધ્યાન આપવા હાકલ કરાઈ હતી. ધારશીભાઈ મહેતા, સુરેશ મહેતા, પપ્પુ વોરા, હરેશ મહેતા, શાંતિલાલ મહેતા, આદિ મહેતા, રીકેશ શાહ, વિરાટ મહેતા, મહેન્દ્ર મહેતા, નરેન્દ્ર મહેતા તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.