હવે તંત્ર પણ એક્શનમાં... ડીડીઓ આહીરપટ્ટી પહોંચ્યા

હવે તંત્ર પણ એક્શનમાં... ડીડીઓ આહીરપટ્ટી પહોંચ્યા
રાયધણપર (તા.ભુજ), તા.18 : તાલુકાની આહીરપટ્ટી વિસ્તારના કમોસમી વરસાદની સાથે કરા પડયા પછી ખેડૂતોની હાલત કફોડી બન્યા બાદ હવે વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે અને સોમવાર સવારથી જ આ વિસ્તારમાં નિરીક્ષણ સર્વે કામગીરીનો ધમધમાટ વર્તાયો હતો. કચ્છમિત્રના સવિસ્તાર અહેવાલોને પગલે પગલે સોમવારે ઢળતી સાંજે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી રાયધણપર પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરવા ઉપરાંત સર્વેની કામગીરી અંગે જાતે માહિતી મેળવી હતી. શ્રીજોશીએ ખેતરોમાં દુર્દશા નિહાળીને તુરંત જ સર્વેની કામગીરી ઝડપથી શરૂ કરી દેવા સ્થળ પર જ ગ્રામસેવક રુદ્રસિંહ જાડેજાને સૂચના આપી દીધી હતી. તેમણે `કચ્છમિત્ર' સાથે વાતચીતમાં જણાવ્યું કે, સૌ પ્રથમ ઝડપથી સર્વેને પ્રાથમિક્તા આપશું, ત્યારબાદ ખેડૂતોને વળતર અંગેના માપદંડ-પોલિસી વગેરે જે સરકારકક્ષાએ નક્કી થશે તે મુજબ વળતર અપાશે. બીજી તરફ, સ્થળ ઉપર જ ખેડૂતોએ પોતાની આપવીતી જિલ્લા કક્ષાના આ અધિકારી સમક્ષ વર્ણવી હતી. રાયધણપર જૂથ ગ્રામ પંચાયતના તલાટી રચનાબેન ગોહિલ પણ પંચાયતઘર ખાતે ઉપસ્થિત રહી આગળની કામગીરી માટે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. સરપંચ નૂતનબેન ભરત કાતરિયા, ખેતીવાડી અધિકારી શ્રી વાઘમશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન, સોમવારે સવારે જ વીજતંત્ર પણ પોતાની કામગીરીમાં જોડાયું હતું અને પડી ગયેલા વીજથાંભલા ઉભા કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી હતી. સાંજ સુધીમાં સારી એવી કામગીરી પૂર્ણ થઈ હતી. ખેડૂતો અવઢળમાં આહીરપટ્ટીમાં કરાના કારણે ખેતરોમાં થયેલા નુકસાન બાદ હજુ વળતર અંગેની પધ્ધતિ કે માપદંડ સત્તાવાર જાહેર થયા ન હોવાથી સંપૂર્ણ નુકસાન પામેલા ખેતરોમાં આગામી શિયાળુ પાક કરવા માટે ખેડી નાખવું કે નુકસાન યથાવત રાખવું? આ અંગે ખેડૂતો અવઢળમાં છે. જિ. વિ. અધિકારી પ્રભવ જોશીએ પણ આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરતાં પૂર્વે `થોભો અને રાહ જુઓ'નું મંતવ્ય આપ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer