મુંબઈના કચ્છીએ 25 એકરમાં વાવેલી જુવાર ચારા તરીકે દાન કરી

મુંબઈના કચ્છીએ 25 એકરમાં  વાવેલી જુવાર ચારા તરીકે દાન કરી
કનૈયાલાલ જોશી તરફથી મુંબઈ, તા. 18 : અહીં જુહુ વિસ્તારના કચ્છી વેપારીએ કચ્છમાં 25 એકર ભૂમિમાં વાવેલી જુવાર પશુઓ માટે દાનમાં આપી દીધી છે. કચ્છમાં લાંબો સમય પડેલા વરસાદના કારણે ઘાસ-ચારાને નુકસાન થયું હોવાથી વેપારીએ પશુધન માટે આ ચારો આપી દીધો છે. મૂળ કચ્છ બિદડાના હાલે જુહુ વિસ્તારમાં હરેરામ હરેકૃષ્ણ મંદિર નજીક અનાજ કરિયાણાંની દુકાન ધરાવતા સામજી ખીમજી સંઘારે પુત્ર જયેશના લગ્નની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ગઢશીશા નજીકના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી 25 એકર જમીનમાં વાવેલી જુવાર શ્રી આશાપુરા માતાજી મંદિરની ગૌશાળા અને નાના રતડિયા ગામની ગૌશાળાના પશુઓ માટે દાનમાં આપીને પ્રેરક ઉદાહરણ પૂરું પાડયું છે. આ પહેલાં પુત્રના લગ્ન પ્રસંગે આવેલા ચાંદલાની રૂા. દોઢ લાખની રકમ પણ કચ્છની પાંજરાપોળો માટે અર્પણ કરી દીધી હતી. આ બાબત સામજીભાઈ સંઘારે કહ્યું હતું કે, મેં પહેલીવાર કચ્છમાં ખેતી કરી અને જુવારનો પાક લીધો હતો. પરંતુ આ વખતે ઘાસચારો સડી ગયો હોવાથી ખેંચ વર્તાય છે આથી બધી ઉપજ દાનમાં આપી દીધી છે. ચારો વાઢીને આપવાને બદલે બંને ગૌશાળાનાં પશુઓને લીલો ચારો ચરવા છૂટા મૂકી દીધાં હતાં. સામજીભાઈ જીવનમાં સખત મહેનત અને સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. 12 વર્ષની ઉંમરે મુંબઈ આવીને વિક્રોલીમાં એકધારી 13 વર્ષ નોકરી કરી હતી. લગ્ન થયા પછી ત્રીજા જ દિવસે જુહુમાં દુકાન શરૂ કરી હતી. જેને આજે 30 વર્ષ થઈ ગયાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer