સૂરજબારી સીમની હોટલમાં વધુ પડતા નશાથી પંજાબી ટ્રેઇલર ચાલકે જીવ ખોયો

ગાંધીધામ, તા. 18 : જિલ્લાના પ્રવેશદ્વાર સમાન ભચાઉ તાલુકાના સૂરજબારી ગામની સીમમાં આવેલી એક હોટેલમાં વધુ પડતા નશીલા પદાર્થનું સેવન કરતાં દેવેન્દ્રસિંઘ અવતારસિંઘ નાઇ (શીખ) (સરદાર) (ઉ. વ. 31) નામના યુવાનનું મોત થયું હતું. આ અંગે ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. વડોદરાની એન.ટી.સી. કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરનારો દેવેન્દ્રસિંઘ નામનો યુવાન  ટ્રેઇલર નંબર એનએલ- 02-ક્યુ- 5778વાળું લઇને ભુજ બાજુ આવ્યો હતો. જ્યાં માલ ખાલી કરીને આ ચાલક ગાડીના ક્લીનર સુનીલકુમાર સૂરજકુમાર સાથે પરત જવા રવાના થયો હતો. ગત તા. 12-11ના આ બંને સૂરજબારી ટોલ ટેક્સ નજીક લખા હોટેલ પાસે ઊભા રહ્યા હતા. દરમ્યાન દેવેન્દ્રસિંઘ આ હોટેલમાં ગયો હતો. પછી પરત આવ્યો જ ન હતો. ક્લીનર એવા સુનીલકુમાર હોટેલમાં તેની પૂછપરછ કરવા જતાં તે અહીં  આવ્યો જ ન હોવાનો જવાબ તેને આપવામાં આવ્યો હતો. ગત તા. 12/11ના બપોરે ગુમ થયેલો આ યુવાન પરત ન મળતાં કંપનીના પ્રતિનિધિ મુલઇઆ વડાવન અને સુગલ હેલ્ધી બુચી એમ. પણ ત્યાં આવી ગયા હતા. આ લોકો પરત લખા હોટેલમાં પૂછવા જતાં હોટેલનો સંચાલક સરદાર ઉશ્કેરાઇ ગયો હતો. પરિણામે આ લોકો સામખિયાળી પોલીસ મથકે આ વાતની જાણ કરવા આવ્યા હતા. જ્યાં મચ્છુ નદીમાં એક સરદારજીની લાશ મળી હોવાનું આ લોકોને જાણવા મળ્યું હતું. આ ત્રણેય ત્યાં જતાં દેવેન્દ્રસિંઘની લાશને પી.એમ. માટે રાજકોટ લઇ જવાઇ હોવાનું ખુલ્યું હતું. દરમ્યાન લખા હોટલના રસોયા રામદયાલ રામસુંદર સિંઘ કુશ્વાહે હોટેલના સંચાલકનો ભાંડો ફોડી નાખ્યો હતો. દેવેન્દ્રસિંઘ લખા હોટેલમાં આવ્યો હતો અને હોટેલના સંચાલક લખબીરસિંઘ જશવંતસિંઘ જાટ (સરદાર)ને મળ્યો હતો. આ શખ્સ ખાનગીમાં નશીલા પદાર્થોનું વેચાણ કરે છે તેણે દેવેન્દ્રસિંઘને નશીલા પદાર્થ આપ્યા હતા. આ યુવાન હોટેલની પાછળ બેસીને તેનું સેવન કરતો હતો. દરમ્યાન વધુ પડતા નશીલા પદાર્થોના સેવનથી તેનું મોત થયું હતું. તેવામાં આ લખબીરસિંઘ તેના ભાઇ પરબજિતસિંઘ ઉર્ફે પ્રભાસિંઘ તારસિંઘ જાટ, બુટસિંઘ અને એક અજાણ્યો શખ્સ આ ચારેય દેવેન્દ્રસિંઘની લાશને બ્લેન્કેટમાં નાખી, કારમાં નાખીને મચ્છુ નદીમાં ફેંકી આવ્યા હતા. યુવાનને વધુ પડતો નશીલા પદાર્થનો ડોઝ અપાતાં અને અસહ્ય નશો સહન ન થતાં યુવાનનું મોત થયું હતું. આ યુવાનના માતા પ્રકાશકૌરે આ ચારેય શખ્સો વિરુદ્ધ માળિયા મિયાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer