ઔદ્યોગિક એકમ વેરા ભરે, નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહે

ભુજ, તા.16 : તાલુકામાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક ગૃહો, પવનચક્કીઓ અને મોબાઈલ ટાવર આવેલા છે, જે રાજ્ય સરકારને મહેસૂલી વેરા ભરે છે, પરંતુ આ પૈકીના કેટલાક ગ્રામ પંચાયતોને ભરવાના થતા મિલકત વેરા આપવાના ઠાગાઠૈયા કરે છે તે સામે કાર્યવાહી કરવા ભુજ તાલુકા પંચાયતે અવાર-નવાર આપેલી સૂચના છતાં પરિણામ ન આવતાં કડક કાર્યવાહીની વિચારણા થઈ રહી છે. ભુજ તાલુકા વિકાસ અધિકારી શૈલેશભાઈ રાઠોડે આ અંગે વિગતો આપતાં જણાવ્યું કે, ગ્રામ પંચાયતો દ્વારા નિયમિત આકારણી થતી ન હોવાને લીધે પણ આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોવાથી તાલુકાના તમામ સરપંચો માટે વર્કશોપ યોજાશે. ગ્રામ પંચાયતોને વિસ્તરણ અધિકારીઓની માર્ગદર્શન માટે સેવા અપાશે. આમ, પંચાયતવેરા અને મહેસૂલી વેરા થકી ગ્રામ પંચાયતોને સદ્ધર કરવા ઝુંબેશ શરૂ કરાશે. ગ્રામ પંચાયતોને વસુલાત માટે જરૂર પડયે પોલીસ રક્ષણ આપવાની પણ તેમણે તૈયારી દર્શાવી હતી. વધુ વિગતો આપતાં ટીડીઓ શ્રી રાઠોડે જણાવ્યું હતું કે, ભુજ તાલુકા પંચાયત કચેરીનાં નિયંત્રણ હેઠળની 112 ગ્રામ પંચાયતોના સરપંચો અને તલાટી સહમંત્રીઓને પંચાયતના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક ગૃહો પાસેથી પંચાયત અધિનિયમ 1993ની કલમ 200માં દર્શાવેલી પદ્ધતિ મુજબ મિલકતની કિંમત ઉપર અને મિલકતની વાર્ષિક ભાડારૂપી કિંમત મુજબ નિયત દરોએ વેરો દાખલ કરવાની સૂચના અવારનવાર યોજાતી બેઠકોમાં અપાઈ છે. ઔદ્યોગિક ગૃહો જેમાં પવનચક્કી તથા મોબાઈલ ટાવરનો પણ સમાવેશ થઈ જાય છે, તેમણે જમીન ઉપર બાંધકામ કરતાં પહેલાં ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 104 તળે પરવાનગી મેળવવા બાંધકામના નક્શા-પ્લાનની તાંત્રિક ચકાસણી કરાવવાની હોય છે. ગ્રામ પંચાયતે 30 દિવસમાં મંજૂરી આપવા કે ન આપવા બાબત નિર્ણય લેવાનો હોય છે પદ્ધરમાં આવેલી બીકેટી લિ. ઉપર ગ્રામ પંચાયતે વેરો દાખલ કર્યો છે. તાલુકા પંચાયતમાં રજૂ થયેલી માહિતી મુજબ અંદાજે 20 લાખનું લેણું ચડત થયું છે તે ભરપાઈ કર્યું નથી. લેરની આશાપુરા પર્ફો કલે સરકારમાં અપીલ હેઠળ છે. આર્ચિયન કેમિકલ લિ. (હાજીપીર), કલાઈઝ વોરેન્ટ (કુકમા), એગ્રોસેલ (ધોરડો), એસ્ટ્રોન પેપર (ચુબડક), એમ. આર. પાઈપ્સ (મોખાણા) તો કનૈયા બે સ્થિત સાટેક એન્વાયર, એસ.આર. ઈન્ડિયા,શ્રી સાઈ ઓટો ટયૂબ મિલ્સ, ગ્લોબલ હાઈટેક, એ. એમ. ડબલ્યુ મોટર્સ, એ. એમ. ડબલ્યુ ઓટો કોમ્પોનેટસ, રતડિયા-ખાવડાની સોલારીસ, કેમ ટેક, મમુઆરાની ટ્વેન્ટી માઈક્રોન્સ, માધાપરની કચ્છ ડેરી વગેરે પાસેથી લેવા પાત્ર વેરા વસુલવાની વહીવટી કામગીરી કરવા સંબંધિત ગામના તલાટી સહમંત્રીઓને સૂચના અપાઈ છે. ગ્રામ પંચાયતોએ વેરા દાખલ કર્યા છે અને વેરા ભરે છે તેવા ઉદ્યોગોની માહિતી આપતાં ટીડીઓએ જણાવ્યું કે, એક્સેલ ક્રોપ (ગજોડ), એન્કર હેલ્થ એન્ડ બ્યુટીકેર (પદ્ધર), સુઝલોન એનર્જી (પદ્ધર), પ્રિન્સ પાઈપ, સરહદ ડેરી (લાખોંદ), આશાપુરા ઈન્ટરનેશનલ (માધાપર) અને પારલે (લેર) એકમ હકારાત્મક્તાથી નિયમિત સહયોગ કરી રહ્યા છે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer