આપણી જાગૃતિ જ આપણા વારસાને બચાવી શકશે

કોઈ પણ પ્રદેશ કે શહેરના પ્રવાસન ઉદ્યોગના વિકાસમાં ભાગ ભજવતા પરિબળોમાં આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરતા સ્મારકો, સ્થાનિક હસ્તકલા, પરંપરાઓ, લોકગીતો વગેરેનું યોગદાન પણ વિશેષ રહ્યું હોય છે. આથી તેના જતન અને સંરક્ષણ પ્રત્યે સમાજમાં જાગૃતિ આવે એ માટે 19મી થી ર4મી નવેમ્બરના સપ્તાહને વિશ્વ વારસા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આજે વિશ્વ વારસા સપ્તાહને મનાવી રહ્યું છે ત્યારે આપણા સીમાવર્તી જિલ્લાના પ્રવાસન ઉદ્યોગમાં અને દેશના સાંસ્કૃતિક વારસમાં મહત્ત્વનું સ્થાન ધરાવતી હડપ્પીય વસાહતો ઉપરાંત જિલ્લામાં ઠેર ઠેર આપણા અતીતને ઉજાગર કરતા સ્મારકો, પાળિયા, મંદિર અને મસ્જિદો આ તમામની જાળવણી પ્રત્યે તંત્રની સાથે આપણી ઉદાસીનતા પણ ઓછી નથી. બધું જ સરકાર કે સંસ્થાઓ કરે એવી માનસિકતાથી હવે મુક્ત થવાનો સમય આવ્યો છે ત્યારે આપણી આ વિરાસતના જતન માટે આપણે કે તંત્ર શું કરી શકે? કેવાં પગલાં આવશ્યક છે તેની વાત લઈને કચ્છના ઈતિહાસ અને પુરાતત્ત્વ ક્ષેત્રે કાર્યરત ઈતિહાસકારો, ઈતિહાસપેમીઓ અને અધિકારીઓના વિચારો જાણવા અહીં પ્રયાસ કરાયો છે. લોક જાગૃતિ જ મૃત-અમૃત વારસાનું જતન કરી શકશે: કચ્છ સંગ્રહાલયના કયૂરેટર ડો. શેફાલિકા અવસ્થિ કહે છે કે, માત્ર સ્થૂળ વારસો સ્થાપત્ય કે ઈમારતો જ નહીં અમૃત વારસો જેવા કે, કચ્છની મીઠી કચ્છી ભાષા, લોકગીતો, લોક પરંપરા અને હસ્તકલા લૂપ્ત ન થાય એ માટે અત્યારથી જ જનજાગૃતિની આવશ્યકતા છે. અંગ્રેજી ભાષાના આક્રમણે ગુજરાતી કે હિન્દી ભાષાના અસ્તિત્વ સામે જ જોખમ ઊભું કર્યુ છે ત્યારે સ્થાનિક લોકબોલી કે ભાષાનું અસ્તિત્વ તો એથીય વિશેષ જોખમમાં છે ત્યારે નવી પેઢીને આપણા મૃત અને અમૃત વારસાનું મહત્ત્વ સમજાવવાની આપણી જવાબદારી છે. સાથે સાથે આપણી સ્થાનિય સંસ્કૃતિ, આસપાસનું વાતાવરણ, આપણી વેપાર પ્રણાલી, પર્યાવરણ, વનસ્પતિ અને પક્ષીઓ પણ આપણા વારસાનો જ એક ભાગ છે તે નહીં રહે તો સ્વયં આપણું જ અસ્તિત્વ ભયમાં છે. સિયોત અને નાડાપાની ગુફાઓને ઉજાગર કરો : કચ્છ સંગ્રહાલયના પૂર્વ કયૂરેટર અને પુરાતત્વવિદ્ દિલીપભાઈ વૈદ્ય કહે છે કે, કચ્છના બન્ની વિસ્તારનો લોક વારસો, લોકગીતો , રીત રિવાજ, હસ્તકલા , કચ્છના માછીમાર પરિવારના લોકગીતો, કચ્છનું વન્યજીવન, અભયારણ્યો,ભીંતચિત્રો વગેરેનું ભાવિ પેઢી માટે જતન અને રક્ષણ જરૂરી છે. તે જો નષ્ટ થશે તો આપણી આવનારી પેઢી આપણને માફ નહીં કરે. આ માટે લોક જાગૃતિ અનિવાર્ય છે. બહુ ઓછી જાણીતી સિયોત અને નાડાપાની બૌદ્ધ ગુફાઓનું રક્ષણ કરવું અત્યંત જરૂરી છે. નાડાપાની ગુફા પાસે તો પથ્થરની ખાણો આવેલી છે, આ ખાણોના ખોદાણ સાથે આ નાની ગુફા કયારે ખોદાઈ જશે તેની પણ આપણને ખબર નહીં પડે. માટે તેને સુરક્ષિત કરવી અતિ આવશ્યક છે. ભુજ તાલુકાના ભારાપર ગામની હોસ્પિટલના મકાનની જાળવણી અનિવાર્ય છે. સ્થાપત્યો જે સ્થિતિમાં છે તેની જાળવણી કરીએ. : કચ્છના કેટલાય સ્થાપત્યો દુર્ગમ સ્થાને છે અથવા તો વડીમેડી જેવા સ્થાપત્યો જાહેરમાં હોવા છતાં તેની આગળ ઝાડી, ઝાંખરા અને બાવળની પેશકદમીને કારણે તેના સુધી પહોંચવું મુશ્કેલ છે તો સૌ પ્રથમ તો આવા સ્મારકો સુધી પહોંચવા તેની આસપાસની જમીન સાફ સુથરી કરવા તંત્ર અને લોકો કવાયત કરે એવું જરૂરી હોવાનું પોતાનો અભિપ્રાય આપતાં સંશોધક અને કચ્છના ભોમિયા પ્રમોદ જેઠી કચ્છના સ્થાપત્ય વારસાની દયનીય હાલત અંગે અત્યંત ચિંતા વ્યક્ત કરે છે . તેઓ જણાવે છે કે, જો આપણે કે તંત્ર સ્થાપત્યોની હાલમાં જે હાલત છે તેમાં સુધારો ન લાવી શકીએ તો કઈં નહીં પણ તેની એ જ હાલત જળવાઈ રહે તે માટે પ્રયાસો કરીએ, જો આ સ્થાપત્યો આપણો વારસો સચવાશે તો આપણી ભાવિ પેઢી તેની માહિતગાર બની શકશે. સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવે : કચ્છ ઈતિહાસ પરિષદના પ્રમુખ અને ઈતિહાસના જાણકાર સાવજાસિંહ જાડેજા કચ્છની ધરોહરની વર્તમાન હાલતથી નિરાશા વ્યક્ત કરે છે અને આ માટે રાજ્યના સંબંધિત તંત્રને જવાબદાર લેખતાં જણાવે છે કે, કચ્છનો કલા વારસો, સ્થાપત્ય નષ્ટ થશે તો કચ્છનો ઈતિહાસ ભુંસાઈ જશે . આવું ન થાય એ માટે તંત્રને જાગૃત રાખવા તથા લોક જાગૃતિ કેળવવા સ્વૈચ્છિક સંગઠનો, સંસ્થાઓ અને જ્ઞાતિ મંડળો પણ આગળ આવે તો આપણા ભુંસાતા જતા વારસાને બચાવવા કઈંંક કરી છૂટયાનો સંતોષ લઈ શકીશું. સરકાર પણ જો આ સ્મારકોને જાળવી શકવા અસમર્થ હોય તો તેણે ખાનગી સંસ્થાઓને તેનું રક્ષણ કરવા સોંપવા જોઈએ. વ્યકિગત જાગૃતિ અભિયાન ચલાવવું જરૂરી: પુરાતત્ત્વપ્રેમી અને પ્રાગમહેલના અભ્યાસકેન્દ્રના સંચાલક દલપતભાઈ દાણીધારિયાના મતે સરકાર, સંસ્થાઓ પર મદાર રાખવાને બદલે દરેક વ્યકિતએ સ્થાપત્ય વારસાના સંરક્ષણ માટે સ્વયં શું કરી શકે તે વિચારવું જોઈએ. દરેક વ્યક્તિ જો માત્ર રજાના કે રવિવારના દિવસે નજીકના સ્થાપત્ય પાસે જઈ તેની સાફ સફાઈ કરે, તેની તસવીરો લે, શિલાલેખનું વાંચન કરે, તેની નોંધ ઉતારી તેનું દસ્તાવેજીકરણ કરવાની શરૂઆત પોતાનાથી જ કરે તો પણ આપણો વારસો જળવાઈ શકે . આ માટે દરેક વિસ્તારમાં ગ્રુપ બનાવી ને આ કાર્ય કરી શકાય. માત્ર ભુજ શહેરની જ વાત કરીએ તો ભુજમાં જ આવી પચાસથી વધારે ઈમારતો છે કે જેના પર આ કાર્ય કરી શકાય છે, જરૂર છે માત્ર વ્યકિતગત જાગૃતિની. આમ, કચ્છનો સાંસ્કૃતિક વારસો સ્થાપત્ય ઈમારતોમાં લોક સંસ્કારમાં, લોક માનસમાં, બન્નીના ઘરઘરની ડીઝાઈનોમાં, આપણી હસ્તકલાઓમાં, પરંપરાઓમાં લોકગીતોમાં સચવાયેલો છે. પરંતુ આ મૂર્ત અને અમૂર્ત વારસાને સાચવવો એ આપણી નૈતિક જવાબદારી છે. વારસાના જતન માટે પંચાયતો સક્રિય બને: કચ્છના વરિષ્ઠ ઈતિહાસકાર ઉમિયાશંકરભાઈ અજાણીના મતે આપણા સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સ્થાપત્યકીય વારસાના જતન માટે જાહેર સંસ્થાઓ પણ સક્રિય બને અને દરેક પંચાયત આ માટે સમિતિ બનાવે અને આ સમિતિ અવાર નવાર આ સ્થાપત્યની મુલાકાત લે અને તેના જતન માટે લોક જાગૃતિ કેળવે, સરકાર પાસે યોગ્ય રજૂઆત કરી કામ કરાવે તથા વધુ ને વધુ લોક જાગૃતિ કેળવાય તે માટે હેરિટેઝ વોકનું પણ આ સમિતિ આયોજન કરે તો સ્થાપત્ય સાચવી શકાશે. જાહેર સંસ્થાઓ પણ આ દિશામાં અગ્રેસર બને તો જાગૃતિ આવી શકે. કચ્છમાં ઠેર ઠેર રહેલા પાળિયાઓનો ઈતિહાસ પણ ઉજાગર કરવો જોઈએ કે જેનાથી દેશ અને સમાજ માટે ફના થનારાઓની સાચી ઓળખ આવનારી પેઢીને થઈ શકે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer