ભુજના ઉમેદનગરમાં માવઠાના પાણી પણ ઘરમાં ઘુસ્યાં બોલો !!

ભુજ, તા. 18 : સરકારના હાઉસીંગ બોર્ડ નિર્મિત અહીંની ઉમેદનગર કોલોનીમાં ચોમાસે હમીરસરની આવના પાણી ભરાતાં રહેવાસીઓ દ્વારા સુધરાઇને ફરિયાદો કરાતી રહી છે. પણ તે બેઅસર નીવડી છે. હવે તો એવી સ્થિતિ સર્જાઇ છે કે તાજેતરના માવઠાના પાણી પણ ઘરમાં ઘુસ્યા હતા. સુધરાઇને ફરિયાદો કરવાનો કોઇ મતલબ નથી તેવું રહેવાસીઓએ નારાજગી સાથે જણાવ્યું કે કાનૂની સલાહ લેવાઇ છે અને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની વિચારણા ચાલે છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ ઉમેદનગરથી લેકવ્યૂ સુધીના રસ્તા પર મકાનોનો મલબો ઠલવાતો રહ્યો છે તેથી આવ સાંકડી થઇ ગઇ છે. આ આવને સાફ કરી ઊંડી કરાય તો જ ઉકેલ આવે. લોકોએ પાણીના ભરાવાથી બચવા ચાર ઇંચ જેટલું ભોંય તળિયું ઊંચું કર્યા છતાં હમણાના માવઠાની આવમાં આવેલા પાણી ફલોર પર દોઢ બે ઇંચ ભરાયા હતા. જૂની ઉમેદનગર કોલોનીમાં 140 જેટલા તો નવીમાં ઉપર નીચે થઇ 400થી વધુ પરિવારો રહે છે જેમને ઘર ઉપરાંત રસ્તા પર તળાવની માટીના કારણે ચીકાશ વધતાં લપસવાનો ભય રહે છે. હાઉસિંગ બોર્ડે બનાવેલા મકાનોની છત સાડા આઠથી 9 ફૂટે હોવાથી ફલોર પણ કેટલું ઊંચે લેવું તેવો સવાલ રહેવાસીઓએ ઉઠાવ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer