આહીરપટ્ટીમાં અનેક જીવ અને વૃક્ષો પણ માવઠાનો ભોગ બન્યાં
રાયધણપર (તા. ભુજ), તા. 18ઐ : તાલુકાની આહીરપટ્ટીમાં ગુરુવારે થયેલા કમોસમી વરસાદ અને કરામાં ખેતી-વાડીને વ્યાપક નુકસાન સાથે પશુ-પક્ષી અને કુદરતી સંપદાને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વરસાદ અને કરાથી નાના વરનોરામાં એકસાથે 1000 મરઘીનાં બચ્ચાં મોતને ભેટયાં હોવાનું ઉપસરપંચ ઇબ્રાહીમભાઇ મમણે જણાવ્યું હતું. આ પંથકના સરસપર, ત્રંબૌ, પૈયા, રાયધણપર ગામની સીમમાં મીઠો બાવળ, પીલુનાં ઝાડ મોટી સંખ્યામાં ધરાશાયી થયાં છે. આવાં વૃક્ષો ઉપર કાયમ કલબલાટ કરતાં ચકલી સહિતના અસંખ્ય પક્ષીઓ પ્રભાવિત થયાં છે અને કલબલાટ સમી ગયો છે. આ વિસ્તારમાં મીઠા બાવળના વૃક્ષો ઉપર મોટી સંખ્યામાં ચકલી સહિત અન્ય પક્ષીઓની વસાહત ઉપરાંત મીઠી નદીના બંને કાંઠે સમાંતર વૃક્ષો ઉપરની પક્ષીઓની વસાહત કાં તો સ્થળાંતર થઈ છે કાં તો કુદરતી કહેરમાં મરણને શરણ થઇ છે.