કંડલા સ્માર્ટ સિટીની પ્રિ-બીડ મિટિંગમાં કોઇ ન ફરક્યું !

ગાંધીધામ, તા. 18 : અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કંડલા ખાતે આકાર લેનારા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી (એસ.આઇ.પી.સી.) અર્થે આજે પ્રિ-બીડ મિટિંગનું આયોજન કરાયું હતું પરંતુ ત્યાં કોઇ ફરક્યું નહોતું. અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે એસ.આઇ.પી.સી. અને ખાસ તો ફર્નિચર પાર્ક માટે શિપિંગ મંત્રાલયથી માંડીને સૌ કોઇ જોર આપી રહ્યું છે અને જમીન સંદર્ભે બંદર પ્રશાસન સમક્ષ પૂછપરછ પણ થઇ છે. આમ છતાં આજે પ્રિ-બીડ મિટિંગમાં કોઇ ન આવતાં ડીપીટીના પ્રયાસને ફટકો લાગ્યો હતો. કંડલાની 850 એકર જમીનમાં ફર્નિચર ઉપરાંત એન્જિનીયરિંગ, ફેબ્રિકેશન, ખાદ્યતેલ રિફાઇનરી, નમક આધારિત ઉદ્યોગોને આકર્ષવા, જમીન આપવા આ એસ.આઇ.પી.સી.ની યોજના છે. અત્યાર સુધી એકમાત્ર ખાદ્યતેલ રિફાઇનરી ઇમામી એગ્રો ટેક લિ.એ 50 એકર જમીન લીધી છે. એસ.આઇ.પી.સી.માં અન્ય ઉદ્યોગો, રસ ધરાવનારાઓ માટે આ પ્રિ-બીડ બેઠકનું આયોજન થયું હતું પરંતુ નિર્ધારિત સમયગાળા દરમ્યાન ડીપીટીના અધિકારીઓ બેઠા રહ્યા હતા. કોઇ બીડર નહીં ફરકતાં આશ્ચર્ય સર્જાયું હતું જે અંગે ડીપીટી પ્રશાસનિક ભવનમાં પણ ચર્ચા થતી રહી હતી.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer