રાપર અને ભચાઉ તાલુકામાં આરોગ્યક્ષેત્રે ખૂબ જ કથળેલી હાલત

રાપર, તા. 15 : રાપર અને ભચાઉ તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ કથળેલી હાલત હોવાની રજૂઆત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને જિલ્લા આરોગ્ય અધિકારીને કરી તાત્કાલિક પગલાં ભરવા માંગ કરાઈ હતી. રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 150થી 200 કિ.મી. દૂરથી આવતા દર્દીઓને નિરાશા સાથે બહારની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવી પડે છે. રાપર તાલુકાકક્ષાની આ મુખ્ય હોસ્પિટલમાં છેલ્લા છ મહિનાથી મુખ્ય ડોક્ટર નથી. આ હોસ્પિટલ ફક્ત નામ પૂરતી જ છે ગામડેથી આવતા દર્દીઓને જિલ્લાકક્ષાએ ભુજ ખસેડી દેવા જણાવવામાં આવે છે. પણ ગરીબ લોકો પાસે દુષ્કાળની પરિસ્થિતિથી આર્થિક સ્થિતિ એટલી નબળી પડી ગઈ છે કે ભુજ સુધીના ભાડા ખર્ચી શકે તેવી પરિસ્થિતિ નથી. વાગડના આરોગ્યની સાથે થઈ રહેલા ચેડાં બંધ થાય તેવી ધારાસભ્યે માંગ કરી હતી. ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે રાપર વિધાનસભા હેઠળના વાગડ વિસ્તારમાં રાપર અને ભચાઉ તાલુકાના એક પણ સરકારી દવાખાનાઓમાં જરૂરિયાત મુજબના પૂરતા પ્રમાણમાં સાધન સામગ્રી નથી. તેમજ અમુક હોસ્પિટલોમાં તો રોજબરોજ જરૂર પડતી મશીનરી પણ ઘણા વર્ષોથી બગડેલી હાલતમાં પડી છે. અગાઉ ઘણી રજૂઆતો કરવા છતાં પણ તે મરંમત કે ચાલુ કરવાની કોઈ તસ્દી લેવાતી નથી. રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોઈ કાયમી એમ.બી.બી.એસ. ડોક્ટર, ગાયનોકોલોજી ડોકટર નથી. એકસરે અને સોનોગ્રાફી જેવા મહત્ત્વના મશીનો છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer