ગાંધીધામના ઘનકચરાના નિકાલ બાબતે વાડાનો વિરોધ અવિરત

ભુજ, તા. 18 : ગાંધીધામ શહેરના ઘનકચરાના નિકાલ માટે અંજાર તાલુકાના વાડા ગામે 30 હેક્ટર જમીન ફાળવવામાં આવી હોવાના પગલે ગ્રામજનો દ્વારા સખત વિરોધ થઇ રહ્યો છે અને આ મુદ્દે ગ્રામસભા બોલાવી ઠરાવ પણ કરાયો છે. આ હુકમ રદ કરી આ અંગે ફેરવિચારણા કરવા આજે અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં જિલ્લા કલેક્ટર એમ. નાગરાજને આ મુદ્દે યોગ્ય કરવા આશ્વાસન આપ્યું હતું. ગાંધીધામ શહેરના કચરાના નિકાલ માટે વાડા ગામ બાજુ જે જમીન મંજૂર કરી છે તે અંગે ફેરવિચારણા કરવા અંગેનું આવેદનપત્ર તથા ગ્રામ પંચાયતે આ મુદ્દે ખાસ ગ્રામસભામાં પસાર કરેલો ઠરાવ તથા ગ્રામજનોની સહી સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને અપાયું હતું. જેમાં ગામના સરપંચ જેનાબેન કેવર તથા તેના પતિ આમદ કેવર ઉપરાંત જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી. કે. હુંબલ, પૂર્વ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રોશનઅલી સાંધાણી, અંજાર તા.પં.ના નિંગાળ સીટના સભ્ય દેવજીભાઇ સોરઠિયા, જિ.પં. સદસ્ય મ્યાજરભાઇ છાંગા, ફિલિપ એઇડ્સ સેન્ટરના સ્થાપક પોલ ફાધર, લોહારિયા સરપંચ તેમજ અંજાર તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ ધનજી આલા મહેશ્વરી, ચંદિયાના ડાયાભાઇ દેવરિયા, અખિલ ભારત વિચરતી વિમુક્ત જાતિ સંઘના જિલ્લા ઉપપ્રમુખ જાફર હુસેન કેવર (એડવોકેટ), રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નરેશભાઇ મહેશ્વરી તેમજ ગ્રામજનો કરીમ નૂરમામદ, અનવર સલેમાન, સિધિક ઉમર, ઇસ્માઇલભાઇ મીઠુ વિગેરે જોડાઇ વિરોધ દર્શાવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer