ઝારા ડુંગરે ખેલાયેલા યુદ્ધને ટેક્નોલોજી જીવંત કરશે

ભુજ, તા. 18: મા ભોમની રક્ષા માટે આજથી અઢી સદી એટલે કે 2પ7 વર્ષ પહેલાં જે ભીષણ યુદ્ધ ખેલાયું હતું અને હજારો નરબંકાઓએ માતૃભૂમિ કાજે પોતાના પ્રાણની આહુતિ આપી હતી એ ઝારાની ધરતી પર ફરી એકવાર આ યુદ્ધને તાદૃશ કરવામાં આવશે. આ માટે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. છ કરોડના ખર્ચે અહીં શહીદ સ્મારકનું નિર્માણ કરવાનો નિર્ણય કરવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી દેવામાં આવી છે. કચ્છની ધરતી પર સ્વાતંત્ર્ય સંગ્રામ પહેલાં જે 18 મોટા યુદ્ધ ખેલાયા હતા તે પૈકીના એક એવા ઝારા યુદ્ધમાં એક જ રાતમાં 30 હજાર સૈનિકોના મોત થયાં હતાં. કહેવાય છે કે આ નરસંહાર એટલો તો દર્દનાક હતો કે ઝારાના ડુંગર આસપાસ આવેલી તળાવડીઓ લોહીથી ભરાઈ ગઈ હતી. કેટલાય વર્ષો સુધી માનવ હાડકાં અને તેના અવશેષો અહીં મળી આવ્યા હતા. ત્યારે કચ્છની શૂરવીરતાના પ્રતીક સમાન આ યુદ્ધથી ભાવિ પેઢી અવગત થાય અને આ સ્થળ પ્રવાસનધામ તરીકે વિકસે તે માટે આયોજન વિભાગની ગ્રાન્ટમાંથી અહીં 40 એકરના વિશાળ વિસ્તારમાં શહીદ સ્મારક બનાવવાનો નિર્ણય લેવાયો છે. આયોજન શાખામાંથી મળેલી સત્તાવાર માહિતી અનુસાર ઝારાના શહીદ સ્મારકમાં એક મ્યુઝિયમ બનાવાશે, જેમાં ઓડિયો વીડિયો વિઝ્યુઅલ રૂમ બનાવાશે. આ ટેકનોલોજીના માધ્યમથી 2પ7 વર્ષ પહેલાંના યુદ્ધને આબેહૂબ રીતે જીવંત કરવામાં આવશે. રાજસ્થાનની હલદીઘાટીની જેમ અહીં પેનોરેમા સેક્શન બનાવાશે. જેઓ આ યુદ્ધમાં લડયા હતા એ યોદ્ધાઓના સ્ટેચ્યુ મૂકવામાં આવશે, તેની સાથે યુદ્ધનાં દૃશ્યો પણ સ્ટેચ્યુ રૂપે મૂકવામા આવશે. આ સ્થળ પ્રવાસનધામ બને તે માટે અહીં આવતા પ્રવાસીઓ માટે વિવિધ આનુષંગિક સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. વોર મેમોરીઅલ સાથે શહીદ વન પણ ઊભું કરી સમગ્ર વિસ્તારને લીલોછમ બનાવાશે. નોંધનીય છે કે સિંધના ગુલામશા કલોરોએ 70 હજારનાં સૈન્યબળ સાથે કચ્છ પર ચડાઈ કરી હતી, કચ્છની ભૂમિની રક્ષા કરવા માટે નાતજાતનો ભેદ ભુલ્યા વગર 60,000 જેટલા લોકો રણસંગ્રામમાં કૂદી પડયા હતા. કચ્છી સેનાની આગેવાની વીર લાખાજીએ લીધી હતી. દરમ્યાન અંજારમાં વીર બાળભૂમિ સ્મારકના નિર્માણના હજુ ઠેકાણાં નથી અને ભુજમાં ભુજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન કયારે તૈયાર થઈ જશે તે અંગે જણાવવામાં તંત્રો અસમર્થ જણાઈ રહ્યા છે ત્યારે ઝારાનું આ શહીદ સ્મારકનું કામ કયારે પૂર્ણ થશે તેનાં કરતાં કયારે શરૂ થશે અને સરકાર આ દરખાસ્તને કયારે મંજૂરી આપશે તે એક યક્ષ સવાલ બની રહ્યો છે. સાથોસાથ આ સ્મારકનું કામ કઈ એજન્સીને સોંપાશે અને કઈ રીતે તેનું મોનિટરિંગ થશે તે સહિતના પ્રશ્નો સપાટી પર આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2009ની સાલમાં ઝારાના ડુંગર પર આષાઢી બીજની ઉજવણી કરી હતી, તો રાજપૂત ક્ષત્રિય યુવા સંઘ 18 વર્ષથી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરે છે. ઝારામાં શહીદ સ્મારકના નિર્માણ સહિતની સુવિધા વિકસાવવા માટે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer