મોટા રણનો મુદ્દો ગ્રીન ટ્રિબ્યુનલમાં પહોંચશે

મુરુ (તા. નખત્રાણા), તા. 18 : કચ્છના રણમાં ખાનગી ઉદ્યોગ એકમ દ્વારા મીઠાના ઉત્પાદન માટે ફાળવવામાં આવેલી જમીનના એમ.ઓ.યુ.નું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાથી હાજીપીર-બન્ની પર્યાવરણ સુરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટે દિલ્હી ખાતે ગ્રીન ટ્રિબ્યુનલમાં ધા નાખી છે. મીઠા સહિતના કેમિકલ ઉત્પાદન માટે કાર્યરત આર્ચિયન કંપની દ્વારા પર્યાવરણના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. એકમ ચલાવવા જરૂરી પાણી માટે દરિયાનું પાણી મીઠું કરવા ડિસેલીનેશન પ્લાન્ટ નાખવાના હતા તેના બદલે લખપત તાલુકાના નરા વિસ્તારમાં ખેતીની જમીનમાંથી બોરવેલ બનાવી પાઈપલાઈન વાટે પાણી લઈ જવામાં આવે છે. 7.50 લાખ લિટર પાણી ખેંચવામાં આવે છે તેવો આક્ષેપ કરીને સંસ્થાના પ્રમુખ જી.કે. મુતવાએ પત્રમાં જણાવ્યું હતું. બન્નીના ઘાસિયા મેદાન હોવાના કારણે આ વિસ્તાર નોન ફોરેસ્ટ એક્ટિવિટી છે એટલે ભૂગર્ભમાંથી ઉલેચવામાં આવતું પાણી જંગલી પશુ-પક્ષીઓ માટે અનામત રાખવાનું છે. વળી પાણીના પરિવહનના કારણે ચિંકારા અભયારણ્ય વિસ્તારને મોટી ખલેલ પહોંચે છે. વધુમાં નમક પરિવહનના કારણે માર્ગમાં મીઠાનો જથ્થો ઢોળાય છે. જેના કારણે હાજીપીર, લુણા, બુરકલ, નરા વગેરે વિસ્તારના લોકોને મુશ્કેલી થાય છે. વિશેષમાં ઉદ્યોગ એકમ દ્વારા સ્થાનિક રોજગારી અંગે પણ કોઈ કાર્યવાહી થતી નથી તેવું તેમણે કલેક્ટરને લખેલા પત્રમાં જણાવાયું હતું. વધારામાં કાર્યરત સત્યેશ બ્રાઈન તથા નીલકંઠ સોલ્ટ વર્ક્સ દ્વારા પણ પ્રદૂષણ ફેલાવાય છે એમ પણ અંતમાં ઉમેર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer