કચ્છના પ્રવેશ દ્વારે 18 લાખનો દારૂ ઝડપાયો

ગાંધીધામ, તા. 18 : કચ્છના પ્રવેશદ્વાર સમાન સૂરજબારી નજીક ધોરીમાર્ગ પરથી મોરબી પોલીસે રૂા. 18,07,200ના અંગ્રેજી શરાબ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. બીજી બાજુ ગાંધીધામના કાર્ગો યાદવનગરમાં રૂા. 2200નો દેશી દારૂ પકડીને પોલીસે સંતોષ માની લીધો હતો. મોરબી પોલીસે સૂરજબારી પુલ નજીક ધોરીમાર્ગ ઉપર ટ્રક નંબર આરજે-09-જીબી-9896ને પૂર્વ બાતમીના આધારે અટકાવી હતી. આ વાહનના ચાલક રણબીરચંદરની પોલીસે અટક કરી હતી. આ વાહનમાં ચોરખાનું બનાવી તેમાં દારૂની બોટલો બેસાડવામાં આવી હતી અને હરિયાણાના બિલાસપુરથી આ દારૂ ભરી આ વાહન કચ્છમાં ઘૂસ્યું હતું. અહીંની સ્થાનિક પોલીસ અંધારામાં રહી હતી. દરમ્યાન આ ટ્રક સૂરજબારી પુલ આગળ ધોરીમાર્ગ પર ચડતાં મોરબી પોલીસે જથ્થો પકડી પાડયો હતો. આ ટ્રકના ચોરખાનામાંથી 6024 બોટલ કિંમત રૂા. 18,07,200નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ દારૂ, ટ્રક, મોબાઈલ વગેરે મળીને કુલ રૂા. 38,13,700નો મુદામાલ રણબીર પાસેથી હસ્તગત કરવામાં આવ્યો હતો. તેને પવનકુમાર રામકુમાર યાદવ, મનોજ યાદવ, મુન્સી રાજેશ, ચંદર યાદવ નામના શખ્સોએ તથા મોબાઈલ નંબર 97124 31308ના સંચાલકે દારૂ ભરાવી આપી ગુજરાતમાં ખાલી કરવાનું કહ્યંy હતું. આ પ્રકરણમાં દારૂ ક્યાં લઈ જવાતો હતો અને કોણે મગાવ્યો હતો તે હજુ કાંઈ બહાર આવ્યું નથી. બીજી બાજુ ગાંધીધામના કાર્ગો યાદવ નગરમાં એક મકાનમાંથી 40 લિટર તૈયાર દારૂ અને 700 લિટર આથો એમ કુલ રૂા. 2200 નો દેશી દારૂ જપ્ત કરાયો હતો. દરોડા દરમ્યાન આરોપી ફકીરમામદ નૂરમામદ નકુમ નામનો ઈસમ પોલીસના હાથમાં આવ્યો ન હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer