કચ્છના કિસાનોને કારતકી માવઠાનો કારી ઘા

કચ્છના કિસાનોને કારતકી માવઠાનો કારી ઘા
ભુજ, તા. 14 : કાર્તિકી પૂર્ણિમા અને દેવદિવાળીના તુલસી વિવાહ સંપન્ન થતાં જ એક તરફ કચ્છમાં અનેક પરિવારોમાં સાંસારિક લગ્નગાળાની મોસમ શરૂ થતી હોય છે બીજી તરફ ખેતી માટે પણ આદર્શ સમય ગણાય છે, પરંતુ કચ્છમાં જ ધામા નાખી બેઠેલા અને હવે કમોસમી બની ગયેલા વરસાદે  કારતક વચ્ચે આષાઢી માહોલ જમાવી બધી જ તૈયારીઓ પર પાણી ફેરવવાનું કામ કર્યું છે. એટલું જ નહીં પણ ગાજવીજના ડરામણા માહોલ વચ્ચે ગુરુવારની પરોઢથી રણકાંધીના વિસ્તારોથી પ્રવેશેલા માવઠાએ કોટડા (મઢ)માં એક યુવાનનો ભોગ લીધો હતો અને ખડીરથી બન્ની અને બન્ની-પચ્છમમાંથી જિલ્લા મથક ભુજ થઈને  પશ્ચિમ-પૂર્વ કચ્છમાં માવઠારૂપી રાડ પડાવે તેવી ધોધમાર હાજરી પુરાવતાં ખેડૂતો માથે હાથ દઈ બેઠા છે. ખેતરોમાં તૈયાર પાક પલળી જતાં મસમોટું નુકસાન પહોંચ્યું છે. ભચાઉ તાલુકામાં પણ આવી જ પરિસ્થિતિ છે. દરમ્યાન માવઠા સાથે જ કચ્છમાં ઠંડીની લહેર ફરી વળી હતી.આ માવઠાએ ક્યાંક આકાશમાંથી બરફના ગાંગડા જેવા કરા પાડતાં કચ્છીમાડુના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે, હવે ખમૈયા કરો મેઘરાજા. હવામાન ખાતાએ આપેલી આગાહી સાચી પડી હતી તો આવનારા બે દિવસ સુધી 30થી 40 કિ.મી.ની ઝડપે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી ચેતવણી વચ્ચે કોટડા (મઢ)માં આકાશી વીજળી યુવાનને ભરખી ગઇ હતી. આજે બપોરે 3.30 પછી જિલ્લા મથક ભુજમાં અચાનક અંધારું થઇ જાણે ધોળા દિવસે રાત પડી હોય તેવા માહોલ વચ્ચે વીજળીના લીસોટા વચ્ચે કરા સાથે વરસાદ તૂટયો ને તો અડધો ઇંચ પાણી આકાશમાંથી પડતાં શહેરના રસ્તા પાણી-પાણી થઇ ગયા હતા. શહેરીજનો આ અંધારું અને બિહામણાં દૃશ્યો નિહાળી આશ્ચર્યમાં પડી ગયા હતા અને આખી ચોમાસાની સિઝનમાં આવા અંધારાનાં દૃશ્યો ન જોયાં તે આજે જોવા મળ્યું હતું. ઠંડા પવનના સૂસવાટા સાથે શરૂ થયેલો આ વરસાદ બંધ થતાં જ ઠંડી નીકળી હતી, તો તેજ પવન થકી નગરપાલિકાની સેનિટેશન શાખા પાસે બે વૃક્ષ અને એક વીજપોલ ધરાશાયી થતાં માર્ગ થોડીવાર માટે બંધ પડી ગયો હતો. ભુજના કન્ટ્રોલ રૂમે જાહેર કરેલા સત્તાવાર વરસાદી આંકડા પ્રમાણે ભુજમાં 12 મિ.મી. તો લખપતમાં 3 મિ.મી. પાણી પડયું હોવાનું દર્શાવાયું હતું. જો કે ભુજમાં રસ્તા-નાળામાં જે વેગથી પાણી વહ્યાં એ જોતાં ઝાપટું એકાદ ઇંચ હોવાની સંભાવના નગરજનોએ વ્યક્ત કરી હતી. ગાંધીધામમાં ધમાકેદાર જિલ્લાભરમાં સવારથી જામેલા વરસાદી માહોલ વચ્ચે ગાંધીધામ-આદિપુર સંકુલમાં સાંજે  વરસાદે ધમાકેદાર ઈનિંગ કરી હતી. ઝરમર વરસાદ પડી  બંધ થઈ ગયો હતો. આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયેલાં રહ્યાં હતાં.  થોડા વિરામ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે અડધો કલાક કરતાં પણ વધુ સમય સુધી ભારે ઝાપટાંથી શહરીજનોમાં ભારે દોડધામ થઈ પડી હતી. આદિપુરમાં પણ 7.30 વાગ્યા બાદ ધોધમાર  વરસાદ પડયો હતો. સતત હેલીથી અડધાથી પોણો ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. અંજારમાં પાણી વહ્યાં અંજાર શહેરમાં બપોર પછી બદલાયેલા વાતાવરણમાં ભારે પવન બાદ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં શરૂ થયાં હતાં. રોડ પર પાણી વહી નીકળ્યાં હતાં. 7.30થી 8.15 વચ્ચે અંદાજે અડધો ઇંચ વરસાદ થયો હતો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ હળવો-ભારે વરસાદ થયો હોવાના હેવાલ છે. ગ્રામ્ય પંથકમાં ખેડૂતોને મોટો ફટકો પડયો હોવાનું જાણવા મળે છે. આહીરપટ્ટીમાં કાચ તૂટયા ભુજ તાલુકાની આહીર-પટ્ટીમાં બરફ સાથે જાણે કે રીતસર ધરતી ઉપર આક્રમણ કર્યું હોય તેમ ભારે કહેર વર્તાવ્યો હતો અને ખેતી-વાડી ઉપરાંત રહેણાક વિસ્તારમાં ભારે નુકસાન થયું હોવાના હેવાલ મળ્યા છે. આંધી સ્વરૂપે આવેલા વરસાદે પાણીની સાથે બરફના ગોળા જેવા કરા વરસાવતાં ભારે અફરા-તફરી મચી ગઇ હતી અને જાણે આભમાંથી ગોલાબારી થઇ હોય તેવા નિશાન દીવાલોમાં પડી ગયા હતા. જ્યારે અનેક મોટા વૃક્ષ ધરાશાયી થઇ ગયા હતા. વીજળી ગુલ થતાં અંધારપટ્ટ છવાયો છે. નાગોરથી માંડીને છેક લોડાઇ અને કોટાય સુધી બરફનો વરસાદ ત્રાટક્યો હતો. બરફનો વરસાદ એટલો જોરદાર હતો કે મકાનોની બારીઓના કાચ તૂટી ગયા હતા. મકાનોના નળિયા પણ બરફના આક્રમણથી તૂટી ગયા હતા. જોરદાર પવનની આંધીમાં સરસામાન પણ આકાશમાં તણખલાની જેમ ઊડયો હતો. ખેતી-વાડીમાં જુવાર-બાજરી સહિતના ઘાસચારા પાક ઉપરાંત કપાસ-મગફળીમાં ભારે નુકસાન થયું હતું. ખેડૂતોએ લાખોના પાકને હાનિ થઇ હોવાનું લખુભાઇએ જણાવી બેથી પાંચ કિલ્લાના બરફના ગઠ્ઠા આભમાંથી પડયાનું કહ્યું હતું. જ્યારે ઢોરી ગામથી ખેડૂત અગ્રણી વિરમભાઇ આહીરે જણાવ્યું કે, ભારે ગાજવીજ સાથે એક કલાક વરસાદે આક્રમણ કર્યું હતું. કોટાય ગામથી પબાભાઇ સંજોટે પણ આકાશમાંથી કરાનો જોરદાર વરસાદ પડયો હોવાનો આંખેદેખ્યો હેવાલ આપ્યો હતો. રાયધણપરના ખેડૂત હરિ ધનાભાઇ બરાડિયાએ ખેતી-વાડીમાં ભારે નુકસાની થઇ હોવાનું કહ્યું હતું. વરસાદથી એક કલાક પૂર્વે ખેતરમાં એરંડા અને જુવારનો જે પાક લહેરાતો હતો તે આ આંધીથી નેસ્તનાબૂદ થઇ ગયો છે. આ વિસ્તારમાં ખેડૂતોના ચહેરા વિલાયા અને ચિંતાતુર દેખાયાનું પ્રતિનિધિએ જણાવ્યું હતું. ભુજ તાલુકાના ઝીંકડી ગામે જોરદાર પવન ફૂંકાયા બાદ કરા સાથે પડેલા વરસાદથી ગામની નદીમાં પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો. જોરદાર પવન થકી વથાણ ચોકમાં ઝાડની ડાળીઓ તૂટતાં પાર્ક કરાયેલી બાઇકને નુકસાન થયું હતું, તો પવનના કારણે ગૌશાળાના દરવાજા તૂટી ગયા હતા. અડધા કલાક સુધી ભયનું વાતાવરણ સર્જાયું હતું તેવું ગામના અગ્રણી સુરા રાણા ખાસાએ જણાવ્યું હતું. પાવરપટ્ટીના ખેડૂતો બેહાલપાવરપટ્ટીમાં દોઢેક ઇંચ વરસાદ થતાં ખેતીવાડીમાં ભારે નુકસાનીને લઇ ખેડૂતવર્ગે ભારે હતાશા અનુભવી હતી. બપોર બાદ પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. પશ્ચિમે દેવીસરથી લઇ વંગ-ડાડોર સુધી સવા ઇંચ જેટલો વરસાદ પડયો હોવાનું મીઠુભાઇ આહીરે જણાવ્યું હતું, તો નિરોણા આસપાસના વિસ્તારમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડતાં શેરીમાંથી જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં. આ વિસ્તારના ઉપરવાસના ડુંગરાળ વિસ્તારમાંથી જોશભેર પાણી વહી નીળકતાં ખેતરો પાણીથી તરબતર થયાં હતાં. ખેતરોમાં ગુવાર અને મગના પાથરા પાણીમાં રીતસર તણાય હતા. કાપણી કરેલા પાક પર પાલર પાણી પડતાં ખેડૂતોને ભારે નુકસાનીની દહેશત સતાવી રહી છે તેવું વેડહારથી સોઢા જીવણજીએ કહ્યું હતું. અહીંથી પૂર્વે પાલનપુર, ઝુરા અને સુમરાસર સુધીના વિસ્તારમાં  દોઢેક ઇંચ વરસાદ થયો હોવાનું સુમરાસરથી વિરમભાઇ ચાડે જણાવ્યું હતું. ઝુરાથી દક્ષિણે કાયલા ડેમની આસપાસ વરસાદનું પ્રમાણ વધુ હોઇ બે ઇંચ જેટલો વરસાદ પડયો હોવાનું હરિસિંહ જાડેજાએ કહ્યું હતું. ઝુરાના અગ્રણી કિસાન શિવજીભાઇ ભાનુશાલીના કહેવા મુજબ જુવારનો પાક પલળી ગયો છે. નખત્રાણા પંથક સવારે પાંચ વાગ્યાથી આ વરસાદ ભારે કડાકા-ભડાકા ગાજવીજના ડરામણા શો સાથે થયો હતો. તાલુકાના ઉગેડી, મોરાય, બેરૂ, રામપર, રોહા, પિયોણી, મોસુણા, નિરોણા વિસ્તારમાં આ માવઠાના વાવડ છે, તો નખત્રાણાના જોડિયા ગામ બેરૂમાં કૃષ્ણભગિનીનો પ્રપાત થયો હોવાનું  જાણવા મળ્યું છે. આ વરસાદથી માંડ-માંડ કોરવાણા થયેલા માર્ગો ભીના બનવાની સાથે કાદવ-કીચડગ્રસ્ત બન્યા હતા. માવઠાના કારણે રોગચાળો વધવાની ભીતિ વ્યકત થઇ હતી. માકપટ પાયમાલ માકપટમાં પિયત તૈયાર થયેલા મગફળીના પાક ઉપર અવારનવાર માવઠાના મારથી કિંમતી ચારો બગડી ગયો છે. બીજી તરફ વાડીમાં પિયત એરંડાના પાકમાં ઇયળના વ્યાપક ઉપદ્રવથી એરંડામાં લાગેલા એરંડાના પૂમડા દાણા ઇયળે સાફ કરી નાખ્યા છે. તો તલી, મગ, ગુવાર જેવા રામમોલ તૈયાર પેદાશને પણ માવઠાના હવામાનથી બગડી જતાં તેમજ કપાસની પણ બદતર હાલતથી ખેડૂતોને આર્થિક પારાવાર નુકસાની થવા પામી છે. વિગોડીથી બુઝર્ગ વેપારી મહેન્દ્રભાઇ?ઠક્કરએ માવઠા કરાના વરસાદથી ખેતીને પારવાર નુકસાન થયું છે એમ કહ્યું હતું. માતાના મઢમાં નુકસાની માતાના મઢ કોટડા મઢ, દયાપર સહિતના વિસ્તારમાં વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. મા. મઢના ખેડૂત સાંગાજી ખેતાજી સોઢાએ જણાવ્યું હતું કે, માવઠારૂપી વરસાદ પડતાં ઊભેલા પાકને મોટું નુકસાન થયું છે. મગફળીના પથારા ખેતરોમાં પડયા છે. જે પલળતાં મોટી નુકસાની થવાની દહેશત ખેડૂતોમાં છે. અમુક ખેડૂતોનો પાક ખળામાં છે તે પણ પલળી જવા પામ્યો છે.સાંગનારામાં અડધો ઇંચ, તો બેરૂમાં વાડ પર વીજળી પડી હતી. સાંગનારાથી અરવિંદ ઠક્કરે કહ્યું હતું કે, સાંગનારા, બેરૂ, સુખસાણ વિસ્તારમાં  અડધો ઇંચ પાણી વરસ્યું હતું, તો બેરૂ ગામની સીમમાં વાડીના સેઢા પર વીજળી પડી હતી. મધરાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદથી પાણી વહ્યાં હતાં. ગઢશીશા પંથકના ગઢશીશા ઉપરાંત મઉં, રત્નાપર, મકડા, પોલડિયા વિગેરે ગામમાં અંદાજિત એકાદ કલાક જોરદાર વરસાદ વરસતાં ગામના મુખ્ય માર્ગો પરથી પાણી વહી નીકળ્યાં હતાં. અમુક વાડી, ખેતરોમાં મગફળી કાઢેલી પડી છે. તેને વરસાદ ભારે નુકસાન કરશે તેવું ખેડૂત અગ્રણી મહેન્દ્રભાઇ રામાણી તથા છગનભાઇ રામજિયાણી, ડાયાલાલ ચોપડા જણાવ્યું હતું. ગઢશીશામાં મહેન્દ્ર પરવાડિયા, જગદીશ પરવાડિયા, શૈલેશ પરવાડિયા, અનિલ લીંબાણી, રવિલાલ લીંબાણી, દુજાપરમાં નાનજીભાઇ ચૌહાણ વિગેરે ખેડૂતોને મગફળી, કપાસ તથા દાડમમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મકડા સરપંચ બળુભા જાડેજાએ પણ મકડા વિસ્તારમાં જોરદાર કમોસમી વરસાદ વિશે જણાવ્યું હતું. અબડાસાના કેટલાક ગામોમાં આજે વરસાદી માહોલ વચ્ચે કરા સાથે વરસાદી ઝાપટાં  પડયાં હતાં. ડુમરા, રેલડિયા, મંજલ, કરોડિયા, સાંધાણ સહિતના ગામોમાં આજે બપોરે 3 વાગ્યાની આસપાસ કરાનો વરસાદ થયો હતો. આ વિસ્તારમાં અડધા ઈંચ જેટલો વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું છે. અબડાસા તાલુકાના રાયધણજર ગામે બપોરના વરસાદનાં પાણી રસ્તા પર વહી નીકળ્યાં હતાં, જ્યારે બાજુમાં આવેલા મંજલ (રેલડિયા) અને નારાણપર ગામે તથા ડુમરા વિસ્તારમાં બરફના કરા પડયા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતો પોતાના ખેતરોમાં ઊભા પાકને થનારા નુકસાનના કારણે ચિંતામાં મુકાઇ ગયા હતા. દુધઇમાં પણ કરા દુધઇપટ્ટીમાં બપોરના ચાર વાગ્યા પછી ધીમા પવન બાદ કરાનો વરસાદ પડતાં ગામોમાં પાણી ભરાઇ ગયાં હતાં. કરાનો વરસાદ બુઢારમોરા, દુધઇ, ધમડકા અને જગતપર, લાખારાવાંઢ બન્નીમાં થતાં માલધારીઓ પરશાન થઇ ગયા હતા. વાંકીમાં પાકનું ધોવાણ મુંદરા તાલુકાના વાંકીમાં વરસાદનું ઝાપટું પડતાં નેવાં આવી ગયાં હતાં. આ કમોસમી વરસાદનાં ઝાપટાંના કારણે ખેડૂતોએ જણાવ્યું હતું કે, તૈયાર થયેલા પાક જેવા કે તલ, મગને નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે. ચોબારીમાં પાકનું ધોવાણ વાગડના ચોબારી સહિતના ગામોમાં આજે માવઠાએ તૈયાર પાકને મોટું નુકસાન પહોંચાડયું હતું. કિસાન સંઘના માજી પ્રમુખ લાલજીભાઇ ઢીલાના જણાવ્યા પ્રમાણે પહેલા માવઠામાંથી ખેડૂતો હજુ બહાર આવ્યા નથી ત્યાં આજના આ બીજા માવઠાએ તો ખેડૂતોની મહેનત ધોઇ નાખી છે. ચોબારી ઉપરાંત ખારોઇ, મનફરા, કકરવા, લાખાવટ, હોથીસર વગેરે વિસ્તારમાં ખેતરોમાં તૈયાર થયેલો દિવેલ, કપાસ, બાજરી, મગફળી, મગ, મઠ સહિતના પાકને આ માવઠાએ ધોઇ નાખ્યો છે. મુંદરામાં પોણો ઇંચ કિસાન સંઘના પ્રમુખ નારાણભાઇ ગોહિલે જણાવ્યું હતું કે, કણજરા, વાંકી, ટપ્પર વિસ્તારમાં અડધાથી પોણો ઇંચ કમોસમી વરસાદ પડયો છે. રસ્તા પરથી પાણી વહી નીકળ્યાં હતાં, જ્યારે ભાજપના મહામંત્રી રવાભાઇ આહીરે જણાવ્યું કે, કપાસ અને મગફળીના પાકને માવઠાના આ વરસાદે નુકસાની પહોંચાડી છે. ભચાઉમાં ભારે નુકસાની ભચાઉ તાલુકાના નેર, કડોલ, બંધડી  સહિતના નાના રણ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારમાં તેજ પવન સાથે  વરસાદ અને કરા પડયાના હેવાલ મળ્યા હતા. જેના પગલે  આ વિસ્તારમાં શીતલહેરમાં વધારો થવા પામ્યો હતો. નગરમાં સાંજે 6.15થી ઠંડા પવન તથા ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. વોંધ, સામખિયાળીમાં પણ વરસાદ પડયો હતો. જેથી પૂર્વ સરપંચ દયારામ મારાજે સાંજે પોણા સાતે ઝડપભેર વરસાદ પડી રહ્યાનું જણાવ્યું હતું. મગ, ગોવાર વગેરે વાઢેલા પાકને ભારે નુકસાન થયાનું પણ તેમણે ઉમેર્યું હતું. સરપંચ ચનાભાઇ આહીરે પણ વરસાદ પડયાનું જણાવ્યું હતું. કોંગ્રેસ અગ્રણી બળુભા જાડેજાએ જણાવ્યું હતું કે, ભચાઉ પંથકમાં કરા-વરસાદ આકાશી આફત તરીકે વરસ્યા હતા અને પાંચેક ગામમાં કપાસ, એરંડાનો ઊભો પાક નષ્ટ થઇ?ગયો હતો. કુદરતના આ ઘાએ કિસાન પરિવારોને બરબાદ કર્યા છે. હાજીપીર પંથક હાજીપીર વિસ્તારમાં ઝાપટાં રૂપે વરસ્યો હતો. પણ સાંજના 4 વાગ્યા પછી વાતાવરણમાં વરસાદે જોર પકડયો હતો. કરા રૂપે હાજીપીર, લુણા, બુરકલ, ભીટારા, ઉધમા, ધોરડો, ગોરેવાલી પંથકમાં માવઠાં રૂપે વરસાદ પડયો હતો. દેવપુર ગઢના વાડીવિસ્તારમાં બપોર બાદ બરફવર્ષા થતાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. ખેતર-વાડીઓમાં  પાકી ગયેલા મગ, મગફળી, તલ અને જુવારના પાકને વ્યાપક નુકસાની થતાં ખેડૂત પાયમાલ થયા હતા.  નખત્રાણા તાલુકાના જેસરવાંઢ ગામે પણ કમોસમી વરસાદ વરસ્યા પછી ઠંડી પથરાઇ હતી. રાપરમાં શિયાળે ચોમાસુ રાપરમાં મિનિટોમાં શહેરની બજારોમાં પાણી વહી નીકળ્યાં હતાં. શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. વરસાદ પડતાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને અંધારપટ છવાઇ ગયો હતો. દેના બેન્ક ચોક વિસ્તાર, માલીચોક, ભુતિયા કોઠા વિસ્તાર, આથમણા નાકા વિસ્તાર, લોહાણા બજાર વિગેરે બજારોમાં જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં. તો તાલુકાના વણોઇ ગામે માત્ર 45 મિનિટમાં 1 ઇંચ જેટલું પાણી પડયું હતું, તેવું  ગેમુભા રામસંગજી જાડેજાએ જણાવ્યું હતું. સેલારી ગામે પાકને નુકસાન થયું હોવાનું વેપારી દિનેશભાઇ ઠક્કરે જણાવ્યું હતું. ફતેહગઢ ગામે પણ જોરદાર પવન, વીજળી અને ગાજવીજ સાથે વરસાદી માવઠું પડયું હતું. ગેડી, મોડા, ખેંગારપર, ગવરીપર, સુવઇ, રામવાવ, કુડા વિગેરે ગામોમાં  વરસાદ થયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer