પચ્છમ વિસ્તારમાં કરા રૂપી આફત વરસી

પચ્છમ વિસ્તારમાં કરા રૂપી આફત વરસી
હીરાલાલ રાજદે-મુશા સુમરા દ્વારા-
ખાવડા/સુમરાપોર (તા. ભુજ), તા. 14 : ગઇ મોડી રાત્રે અને વહેલી પરોઢે પચ્છમ વિસ્તારમાં ગાજ સાથે ભયંકર કડાકા અને વીજના ડરામણા ચમકારા સાથે માવઠું તૂટી પડયું હતું જે સવારે 8 સુધી ધીમી ધારે - ક્યારેક જોશભેર તોફાની પવન સાથે ચાલુ રહેતાં મુખ્ય મથક ખાવડામાં બે ઇંચ અને પૂર્વ તરફનાં ગામડાં જુણા, તુગા, કુનરીઆ, કાઢવાંઢને બાદ કરતાં પૈયા, ધોરાવર, રતડિયા, રોહાતડ, રબવીરી સુધી ત્રણેક ઇંચ વરસાદ ખાબકયો હતો. નદી-નાળા વહી નીકળ્યા હતા અને બરફ થકી અનેરાં દૃશ્યો સર્જાયા હતા. ધોરાવર સરપંચ અલાના હાજી હશન સાથે ઇબ્રાહીમ લખમીરએ જણાવ્યું કે, પૈયાથી ધોરાવર વચ્ચે બરફનો વરસાદ એટલો હતો કે સવારે 10 વાગ્યે પણ હજુ જમીન પર થર જામેલા જોવા મળ્યા હતા. ધોરાવરની નદી જોશભેર વહી રહી હતી. તો ગોડપરના સરપંચ મીઠુ જીવાભાઇ આહીરે પણ ત્રણેક ઇંચ વરસાદના સમાચાર સાથે નળિયા ઉડયા હોવાનું અને પાક બળીને નષ્ટ થઇ ગયાનું જણાવ્યું હતું. આવી જ વાત ખારીના અગ્રણી ખીમાભાઇ આહીર, ધ્રોબાણા સરપંચ સિધિક ભુંગર, કુરન દૂધડેરીના રાજમલજી સોઢા, રતડિયા, રોહાતડના અગ્રણી હાજી વેરશી વિ.એ જણાવી હતી, ખાવડાના ખેડુ અગ્રણી હાજી ઇસ્માઇલ સુમરાએ પણ સારા ચોમાસા થકી ખેડૂતો માટે  માંડ માંડ સારા દિવસો આવ્યા હતા તે વરસાદે બગાડી દેવાનું જણાવી રંજ વ્યક્ત કર્યો હતો. ખાવડા ડેમ ફરી ઓગની જતાં નદી જોશભેર વહી રહી હતી.ખેડૂતોએ વસવસો વ્યક્ત કરતાં  મગ, મઠ, કોરડ, જુવાર અને થોડે અંશે ગુવારનો પાક બળી ગયાનું જણાવ્યું હતું. પાક કાળો પડી જતાં ચારા માટે પણ કામ નહીં આવે. ગોડપરના ખેતરોમાં પાણી ભરાયાનું જણાવ્યું હતું. મહદઅંશે સમગ્ર પચ્છમ પંથક સારા વરસાદથી ખુશખુશાલ હતો, તે આ વરસાદથી નિરાશ થઇને માથે હાથ દેવાનો વારો આવ્યો હોવાનું જણાયું હતું. મળેલી બિનસત્તાવાર માહિતી પ્રમાણે ખાવડામાં અંદાજે 200 ખેતર, ખારી પંચાયતમાં અંદાજે 300, ગોડપરમાં 250થી 300, કુરનમાં અંદાજે 200, ધ્રોબાણામાં અંદાજે 580, રતડિયા - રોહાતડમાં 200થી 250, ધોરાવર પંથકમાં 400 ખેતરો છે. એકર દીઠ 15000થી 20,000નું નુકસાન ગણાવાય છે, આમ લગભગ વીસ હજાર જેટલા ખેતરોમાં કરોડોના નુકસાનનો પ્રાથમિક અંદાજ છે. હજુ બપોરે ત્રણ વાગ્યે આ લખાય છે ત્યારે આકાશ વાદળછાયું અને અંધારપટ છવાઇ ગયો છે, ગાજ-વીજ સાથે ધીમા છાંટા ચાલુ થઇ ગયા છે. બીજી બાજુ પચ્છમ વિસ્તારમાં ખેડૂતો માટે આફતરૂપી કમોસમી કરા સાથે વરસાદ પડતાં પાકેલા ધાન્ય પાકો બાજરી તેમજ ગુવાર, મગ, મઠ વગેરેને ભારે નુકસાની થઇ છે. જ્યારે કાંપણી કરી ખેડૂતોએ સંગ્રહ કરેલા ધાન્ય પાક ચારો વગેરેને ખૂબ જ નુકસાન થતાં ખેડૂતો માટે આ વરસાદ આફતરૂપ પડયો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.બેથી અઢી ઇંચ જેટલો ભારે વરસાદ પડતાં સરહદને અડીને આવેલા કુરન, સુમરાપોર સહિત કાંઠાળ વિસ્તારનાં ગામો ખાવડા, દિનારા નાના-મોટા, રતડિયા, ધ્રોબાણા સહિત વિવિધ ગામોમાં વ્યાપક વરસાદથી ખૂબ જ નુકસાની વેઠવી પડી છે, તો વળી નદી-નાળાંના કારણે તળાવોમાં નવા પાલર પાણીની સારી આવક થઇ છે અને કાળા ડુંગરની વિવિધ વાંઢોમાં સારા વરસાદના વાવડ માલધારીઓએ આપ્યા હતા અને સૂકા ઘાસના ભંડારોમાં ઘાસને ઘણું નુકસાન થશે. સૂકા ઘાસનું  પણ મોટા પાયે ધોવાણ થશે, એનાથી માલધારીઓ ચિંતિત છે, તો વળી વરસાદની સાથે કરાએ કારિયારો મચાવી દીધો હતો, જેમાં સીમરી ગામમાં કરાના કારણે નળિયાઓને નુકસાન થયું હોવાના વાવડ છે.ખેડૂતોને આ વરસાદથી ખૂબ જ આર્થિક નુકસાની વેઠવી પડી છે. જેનો તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે હાથ ધરાય અને ખેડૂતોને આર્થિક નુકસાનીની સહાય અપાય એવી પચ્છમ વિસ્તારમાં ખેડૂતોની માંગ બુલંદ બની છે.ફઝલવાંઢથી ફઝલા અલીમામદ સમાના જણાવ્યાનુસાર પચ્છમમાં કમોસમી વરસાદથી કાપણી થયેલા અને ઊભા પાકને ઘણું નુકસાન થયું છે. કુરન, ધ્રોબાણા, હુસેનીવાંઢ, સુમરાપોર, કોટડા (ખાવડા), મોટા, દિનારા મોટા, નાના રતડિયા, રોહાતડ નાની- મોટી, લુડિયા, પૈયા, ધોરાવર, રબવીરી, તુગા, જામકુનરિયા, ખારી વગેરે ગામોના ખેડૂતો અને અગ્રણીઓએ કમોસમી વરસાદથી પાક કાળો પડી ગયો હોવાનું અને ઉધઇનો ઉપદ્રવ થયો હોવાનું ઉમેર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer