ગાંધીધામમાં સેકટર-8માં અનેક કાચાં,પાકાં દબાણો ઉપર ફરી વળ્યું બુલડોઝર

ગાંધીધામમાં સેકટર-8માં અનેક કાચાં,પાકાં દબાણો ઉપર ફરી વળ્યું બુલડોઝર
ગાંધીધામ, તા. 14 : શહેરનાં સેકટર-8 વિસ્તારમાં આવેલાં કાચાં, પાકાં દબાણો ઉપર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું તો અમુક દબાણો લોકોએ સ્વૈચ્છાએ હટાવી લીધાં હતાં. શહેરનાં સેકટર-8માં આવેલા અરજણ મોલથી અરૂણદેવ એપાર્ટમેન્ટવાળા રોડ પરથી દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. સેલિબ્રેશન્સ કેકશોપ, અરજણ મોલ, અરૂણદેવ એપાર્ટમેન્ટના દબાણો વગેરેને આજે ખસેડી લેવાયાં હતાં. અહીં અગાઉ પાલિકાએ નોટિસ પાઠવી હતી. અને આજે સમય મર્યાદા પૂરી થતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમુક લોકોએ સ્વૈચ્છાએ જ પોતાના દબાણો હટાવી લીધાં હતાં. બીજી બાજુ શહેરનાં સેકટર પાંચમા શનિવારની શનિ બજારના મુખ્ય રોડ પરના લારી ગલ્લા, આદિપુરમાં જી.ડી.એ. કચેરી સામે લાલ મંદિર બગીચાની ચારેય બાજુ તથા આદિસર તળાવ નજીક સાંઇ બાબા  મંદિરની સામે આવેલા લારી ગલ્લાવાળાઓને 7 દિવસની નોટિસ પાઠવવામાં આવી છે. આ સમય પૂર્ણ થયા બાદ અહીંના તમામ દબાણો દૂર કરવામાં આવશે તેવું પાલિકાના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer