કોટડા ચકારના બે ઇસમ પોણા બે કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયા

કોટડા ચકારના બે ઇસમ પોણા બે કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયા
ભુજ, તા. 14 : મૂળ તાલુકાના મોટા બંદરા ગામના અને હાલે તાલુકાના કોટડા (ચકાર) ગામે રહેતા જાકબ ઉર્ફે યાકબ ઉર્ફે બબો દાઉદ કુંભાર અને આમદશા ભચલશા શેખ નામના બે ઇસમને કેફીદ્રવ્ય ગાંજાના પોણો બે કિલો જથ્થા સાથે ઝડપી પાડી તેમની સર્વગ્રાહી પૂછતાછ હાથ ધરાઇ છે. પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સહાયક ફોજદાર વાછિયાભાઇ લાખુભાઇ ગઢવીની બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરીને આ બન્ને ઇસમને દબોચી લેવાયા હતા. તેમની પાસેથી રૂા. 10500ની કિંમતનો એક કિલો 747 ગ્રામ ગાંજો કબ્જે લેવાયો હતો. સાથેસાથે સેમસંગ કંપનીના બે મોબાઇલ અને રૂા. 1300 રોકડા પણ આ બન્ને પાસેથી કબ્જે કરાયા હતા.સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ જાકબ કુંભાર અને આમદશા શેખની વિધિવત ધરપકડ કરી તેમની સામે નારકોટિકસ ધારા હેઠળ વિધિવત ગુનો દાખલ કરાવાયો હતો. જરૂરી કાયદાકીય વિધિ બાદ આ બન્નેને અદાલત સમક્ષ રજૂ કરી તેમના રિમાન્ડની માગણી કરવામાં આવશે. જે પૂછતાછમાં આ બન્ને પાસે ગાંજાનો જથ્થો કયાંથી આવ્યો અને તેઓ ગાંજા સબંધી શું પ્રવૃત્તિ કરતા હતા તેના સહિતની વિગતો સ્પષ્ટ થવાની ધારણા સેવાઇ રહી છે. આ સમગ્ર પ્રકરણમાં અન્ય કેટલીક વ્યકિતઓની સંડોવણી હોવાની ધારણા પણ હાલના તબક્કે રખાઇ રહી છે. જેના કારણે આગળની છાનબીનમાં ધરપકડનો આંકડો વધવાની સંભાવના પણ જોવાઇ રહી છે. આ વચ્ચે અમારા કોટડા ચકારના પ્રતિનિધિના અહેવાલ મુજબ ગાંજો પકડાવાની ઘટનાના પગલે આજે કોટડાના માર્ગો ઉપર પોલીસની ચારચાર ગાડીઓનો કાફલો ઘૂમતો જોવા મળ્યો હતો. પોલીસ સ્ટાફની આ દોડાદોડ લોકો માટે જોણું બની હતી. પોલીસદળની સરહદ રેન્જના વડા મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી દ્વારા અપાયેલી સૂચના અન્વયે જિલ્લા પોલીસ અધીક્ષક સૌરભ તોલંબિયાના માર્ગદર્શન તળે એસ.ઓ.જી. ઇન્સ્પેકટર વી.જે. ચાવડાની રાહબરીમાં ફોજદાર એ.આર. ઝાલા અને સ્ટાફના વાછિયાભાઇ ગઢવી, ઘનશ્યામાસિંહ જાડેજા, મદનાસિંહ જાડેજા, નરેન્દ્રાસિંહ ઝાલા, રઝાક સોતા, ગોપાલ ગઢવી, ધર્મેન્દ્રાસિંહ ગોહિલ, સીમાબેન ચૌધરી વગેરે આ કાર્યવાહીમાં જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer