ડીડીઓની કાર્યવાહી સામે કોંગ્રેસમાં રોષ

ડીડીઓની કાર્યવાહી સામે કોંગ્રેસમાં રોષ
ભુજ, તા. 14 : કોંગ્રેસના અંજાર તાલુકા પંચાયતના સદસ્ય અરજણભાઇ ખાટરિયાને કોઇ પણ ન્યાયિક પુરાવાઓ મેળવ્યા સિવાય હોદ્દા ઉપરથી ડીડીઓએ સસ્પેન્ડ કર્યા, જે હુકમ ઉપર હાઇકોર્ટે મનાઇ હુકમ આપ્યો, ઉપરાંત હાઇકોર્ટ દ્વારા પોલીસ કાર્યવાહી સામે પણ?અલગથી રોક લગાવી દેવામાં આવી છે, તેવી આજે ભુજમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો અપાઇ હતી અને ડીડીઓની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરાયો હતો. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને જિ.પં.ના વિપક્ષી નેતા વી.કે. હુંબલે જણાવ્યું હતું કે, અંજાર તાલુકા પંચાયતના સદસ્ય અને કોંગ્રેસના આગેવાન અરજણભાઇ ખાટરિયાને એમના ગામના તલાટી સામે પંચાયતની કામગીરી બાબતે સામાન્ય માથાકૂટ થઇ?હતી. આ બનાવ અંજાર તા.પં. કચેરીના ગ્રાઉન્ડમાં બનતાં ત્યાં ટીડીઓ, કર્મચારીઓ અને ઘણા સરપંચો પણ?હાજર હતા. તે બનાવ બાબતે આંબાપરના તલાટીએ પોલીસમાં ફરિયાદ આપી તેમજ સામા પક્ષે તાલુકા પંચાયતના સદસ્ય અરજણભાઇને સામાન્ય ઇજા થઇ?હોવાથી ફરિયાદ નોંધાવી હતી. આમ, સામાન્ય બાબતને કારણે ડીડીઓએ નૈતિક અધ:પતનનો ગુનો ગણી અને કલમ 73(1) હેઠળ કેસ ચલાવ્યો હતો.આંબાપરના તલાટીએ ખોટા મકાનો આકારણીમાં ચડાવવા બાબતે અરજણભાઇ દ્વારા દબાણ કરવામાં આવતું હતું, જેના કારણે માથાકૂટ થઇ છે, તેવું જણાવ્યું ત્યારે ડીડીઓએ આ બાબતની તપાસ કરવી ખૂબ જરૂરી હતી, કારણ કે,  આંબાપર ગ્રામ પંચાયતમાં કોઇ પણ અરજી આકારણી બાબતની આવી જ નથી કે પડતર નથી. જિ.પં.ના વિપક્ષી નેતા વી. કે. હુંબલે સવાલ ઉઠાવ્યો હતો કે, ચૂંટાયેલા પદાધિકારીને યોગ્ય કારણ વગર સસ્પેન્ડ કરાય અને કોઇ હુકમથી એને પુન: સ્થાપિત કરાય તે વચ્ચેના સમયગાળાની નુકસાનીના જવાબદાર કોણ ? કચ્છમાં 90 ટકા તલાટીઓ તેના સેજાના સ્થળે રહેતા નથી. આ બાબતે ડીડીઓ શું કાર્યવાહી કરશે ? કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે. કચ્છના ડીડીઓએ તા. 25/10ના અંજાર તાલુકા પંચાયતના કોંગ્રેસના આગેવાન અરજણભાઇ ખાટરિયાને સસ્પેન્ડ કરી હોદ્દા ઉપરથી દૂર કર્યા હતા. જેના ઉપર હાઇકોર્ટે મનાઇ હુકમ આપેલો છે. તે કચ્છ જિલ્લા પંચાયત માટે નાલેશીભર્યો હુકમ ગણાય, તેવું કોંગ્રેસના આ અગ્રણીઓએ જણાવ્યું હતું. આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં સિનિયર એડવોકેટ બી.એમ. માંગુકિયા, બેલાબેન પ્રજાપતિ, શ્રેયભાઇ દવે અને ટીમને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓને ટાંકી ડીડીઓનો હુકમ ગેરકાયદે છે તેવી દલીલો કરી હતી, જેને હાઇકોર્ટે માન્ય રાખી સસ્પેન્શન ઉપર મનાઇ હુકમ આપ્યો છે. આ બાબતે કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલના માર્ગદર્શન હેઠળ સ્ટે મેળવવામાં સફળતા મળી હોવાનું અરજણભાઇ ખાટરિયાએ જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં  પ્રદેશ અગ્રણી પાલભાઇ આંબલિયા, પૂર્વ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરી, ભુજ તા.પં. સભ્ય રાજેશભાઇ ખુંગલા, ગનીભાઇ કુંભાર, દીપકભાઇ ડાંગર, અંજલિબેન ગોર, અશરફભાઇ સૈયદ, ધર્મેન્દ્રભાઇ ગોહિલ, રજાકભાઇ ચાકી, ધીરજભાઇ રૂપાણી વગેરે હાજર રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer