1500 લિટરથી દૂધની શરૂઆત કરનારી `સરહદ ડેરી' પાંચ લાખ લિટર દૈનિક એકત્રીકરણે પહોંચી

1500 લિટરથી દૂધની શરૂઆત કરનારી `સરહદ ડેરી' પાંચ લાખ લિટર દૈનિક એકત્રીકરણે પહોંચી
અંજાર, તા. 14 : કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. કે જે `સરહદ ડેરી' તરીકે પણ જાણીતી છે, તેના હોદ્દેદારોની નિમણૂક માટે આજે નાયબ કલેક્ટર-અંજારની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી અને બીજી ટર્મ માટે ચેરમેન પદે સ્થાપક ચેરમેન અને `કચ્છ કુરિયન' વલમજીભાઇ હુંબલ તથા વાઇસ ચેરમેન પદે હસમુખભાઇ પટેલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી અને પ્રાંત ઓફિસર વી. કે. જોશીના અધ્યક્ષ પદે મળેલી બેઠકમાં વિશ્રામભાઇ રાબડિયાએ વલમજીભાઇ હુંબલના નામની અને જયંતીભાઇ ધોળુએ હસમુખભાઇ પટેલના નામની દરખાસ્ત મૂકી હતી, જેને અનુક્રમે જયંતીભાઇ ગોળ તથા દયારામ કાલરિયાએ ટેકો આપ્યો હતો. સરહદ ડેરીના સ્થાપક વલમજીભાઇ હુંબલની આવડત અને સહકારી ક્ષેત્રે બહોળા અનુભવને કારણે સરહદ ડેરીએ વિતેલા વર્ષોમાં અનેક શિખરો સર કર્યા છે, જેમાં મુખ્યત્વે 2 લાખ લિટરનો દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ, ઊંટડીના દૂધનો પ્લાન્ટ, ખાણદાણનો પ્લાન્ટ તેમજ જિલ્લાના ગામડે ગામડે દૂધ સહકારી મંડળીઓની સ્થાપના વગેરે મહત્ત્વના રહ્યા છે. શ્રી હુંબલે દૂધ સંઘની શરૂઆતથી આજ દિન સુધી તેમનામાં વિશ્વાસ રાખી અને પશુપાલકોએ ટેકો આપ્યો છે તે બદલ દૂધ સંઘના નિયામક મંડળના સભ્યો અને મંડળીઓના સંચાલકો અને તમામ પશુપાલકોનો આભાર માન્યો હતો. ભવિષ્યમાં પણ નિયામક મંડળ, મંડળીઓના સંચાલકો અને પશુપાલકોનો ડેરીના વિકાસ માટે સાથ અને સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. દૂધ સંઘે શરૂઆતમાં માત્ર 1500 લિટર દૂધથી શરૂઆત કરી હતી, જે 5 લાખ લિટર સુધી પહોંચ્યું છે. 1 સેન્ટરથી શરૂઆત થઇ તે 19 સેન્ટર સુધી પહોંચ્યું છે. 15 મંડળીથી શરૂઆત કરી હતી જે આજે 700 દૂધ સહકારી મંડળીઓ સુધી પહોંચી છે અને 2 કરોડના વાર્ષિક ચૂકવણાથી શરૂઆત કરી હતી, જે 500 કરોડ પશુપાલકોને ચૂકવણું કરવામાં આવે છે. 750 કુટુંબોથી શરૂ કરી હાલે 80 હજાર કુટુંબોને રોજીરોટી પૂરી પાડતી આ સંસ્થા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer