ખેત સમસ્યા માટે કિસાનો હવે લડત કરશે

ખેત સમસ્યા માટે કિસાનો હવે લડત કરશે
વિથોણ (તા. નખત્રાણા), તા. 14 : વિથોણ ખાતે પંથકના ખેડૂતોનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં ખેડૂત અને ખેતીને કનડતા પ્રશ્નોની ચર્ચા દ્વારા મુખ્ય સમસ્યાઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં પવનચક્કી કંપની અને અન્ય કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીન ઉપર લગાવાતા ઉપકરણો  જે રીતે દાદાગીરી કરીને ઊભા કરવામાં આવે છે તેની સામે ખેડૂતોએ આક્રોશ વ્યકત કર્યો હતો. વિથોણના કિસાન પ્રમુખ વિઠ્ઠલભાઇ ભગતના અધ્યક્ષસ્થાને પંથકમાં ગ્રામ્ય સમિતિઓનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં તાલુકા કિસાન પ્રમુખ લખમશીભાઇ (કોટડા જ.), મહામંત્રી પ્રાણલાલભાઇ, વિથોણ સમિતિના ઉપપ્રમુખ બાબુભાઇ વાલાણી, મંત્રી શાંતિભાઇ?નાયાણી, નાનજીભાઇ નાકરાણી, દિનેશભાઇ?રૂડાણી, ગ્રામસેવક મયૂરભાઇ વિગેરે ઉપરાંત 250થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહીને ખેતીની દિશા અને દશા ઉપર પોતાના મંતવ્યો આપ્યા હતા. આ પ્રસંગે ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે, ખેડૂત અથવા ખેતીની સમસ્યાને વાચા આપવા સંગઠન જરૂરી છે. નખત્રાણા તાલુકાના સંગઠનની એકતાને પલીતો ચાંપવાના પ્રયાસો થયા છે. પરંતુ ખેડૂતોની એકતાના કારણે તેઓ સફળ થયા નથી. પ્રમુખ લખુબાપાએ જણાવ્યું કે, સમસ્યાના કુંડાળામાંથી બહાર નીકળવા માટે ખેડૂતોનું સંગઠન જરૂરી છે. વર્તમાન સમસ્યા નહીં ઉકેલાય તો તાલુકાના ખેડૂતો શકિતપ્રદર્શન પણ કરશે.પ્રાણલાલભાઇએ કિસાન સંઘની કાર્યશૈલી ઉપર પ્રકાશ પાડયો હતો. અને ધોરીમાર્ગને  ઘેરવાના ધરણા કરવામાં ખચકાશું નહીં અને હવે ખેડૂતો સાથેની સંતાકૂકડી બંધ કરવા જણાવ્યું હતું. વિથોણ કિસાન પ્રમુખ વિઠ્ઠલભાઇએ સરકારી નીતિઓ ખેડૂત વિરોધી હોવાનું જણાવ્યું હતું. રાજકીય હોદ્દેદારો આંખ આડા કાન કરે છે સાથે સાથે ખેડૂતોની જમીન ઉપર કંપનીઓની જોહુકમી ચલાવી નહીં લેવા અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરશું તેવો આક્રોશ વ્યકત કર્યો હતો.સંચાલન શાંતિભાઇ નાયાણી અને આભારવિધિ બાબુભાઇ વાલાણીએ કર્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer