વાયુદળનો સંદેશ : પ્લાસ્ટિક ટાળો

વાયુદળનો સંદેશ : પ્લાસ્ટિક ટાળો
નલિયા, તા. 14 : ભારતીય વાયુદળની 87મી વર્ષગાંઠ નિમિત્તે નલિયા એરફોર્સના 25 જવાન સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઈકલયાત્રાએ નીકળ્યા છે.  નલિયા વાયુદળના વડા એર કોમોડોર ઇ.જે. એન્થોનીએ સાઈકલયાત્રીઓને સ્ટાર્ટ આપ્યો હતો. એરફોર્સના જવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઇના સ્ટેચ્યુ સુધી 640 કિ.મી.નું અંતર કાપી છઠ્ઠા દિવસે ત્યાં પહોંચશે. માર્ગમાં આવતા મુખ્ય ગામોમાં રાષ્ટ્રીય એકતાના સંદેશા સાથે પર્યાવરણની જાળવણી, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, સ્વરક્ષણ સહિતના સંદેશા સ્કૂલોનાં વિદ્યાર્થીઓને પણ આપશે. ટીમ લીડર આર. મોહનના નેતૃત્વ હેઠળ સાઈકલયાત્રીઓને વહેલી સવારે વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે વાયુદળ, તટરક્ષણદળ (કોસ્ટગાર્ડ), આર્મી, બી.એસ.એફ., અલ્ટ્રા, સાંઘી સિમેન્ટ, અને એચ.પી.સી.એલ.ના અધિકારીઓએ ઉપસ્થિત રહી સાઈકલયાત્રીઓને શુભેચ્છા પાઠવી હતી. સાઇકલથી મેરેથોનયાત્રાનાં સાહસ પાછળ પર્યાવરણ સંરક્ષણ, સાહસિકતાની ભાવનાની કેળવણી, રાષ્ટ્રીય અખંડિતતાની ભાવના કેળવવા માટે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનો હેતુ હોવાનું નલિયા સ્થિત વાયુદળના વડા એર કોમોડોર એન્થોનીએ જણાવ્યું હતું. કુલ્લ છ દિવસ સુધી ચાલનારી આ 640 કિલોમીટરની સાહસિક સાઇકલ સફર દરમ્યાન સીમાના સંત્રીઓ રસ્તા પર આવતાં ગામડાંઓમાં લોકો તેમજ ખાસ કરીને શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને `સે નો ટુ પ્લાસ્ટિક' એટલે કે, પર્યાવરણના હિતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનો સંદેશ આપશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer