અદાણી જી.કે. જનરલમાં હડતાળ કરનારા રેસિડેન્ટ ડોકટરોએ સમાંતર ઓપીડી ચલાવી

અદાણી જી.કે. જનરલમાં હડતાળ કરનારા રેસિડેન્ટ ડોકટરોએ સમાંતર ઓપીડી ચલાવી
ભુજ, તા. 14 : અદાણી જી. કે. જનરલ હોસ્પિટલના 94 રેસિડેન્ટ ડોકટરોએ તેમની વિવિધ માંગ સાથે ગઇકાલે શરૂ કરેલી હડતાળ આજે જારી રાખી હતી. આજે સવારે ઓપીડી વિભાગની બહારના માર્ગ પર સમાંતર ઓપીડી ચાલુ કરી દર્દીઓનું નિદાન કરી દવાઓ આપી હોવાનું જણાવ્યું હતું. ગુજરાત અદાણી ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસના જુનિયર ડોકટર્સ એસો.ના પ્રમુખ ડો. હાર્દિક પઢિયાર, ઉપપ્રમુખ ડો. જનક પટેલ, મુખ્ય સચિવ ડો. પૂજા પટેલ, પૂર્વ પ્રમુખ ડો. ઋષિ પટેલ વગેરેની આગેવાની હેઠળ આરંભાયેલી આ હડતાળ દરમ્યાન માગણીના બોર્ડ સાથે વિરોધ દર્શાવ્યો હતો. સવારથી સાંજે ચાર વાગ્યા સુધી 400થી 500 જેટલા દર્દીઓને સમાંતર ઓપીડી ચલાવી સેવા અપાઇ હતી અને સાંજે ડીનની કચેરી બહાર વિરોધ માટે એકત્ર થયા હતા તેવું ડો. રબારીએ જણાવ્યું હતું. દરમ્યાન, અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલની યાદીમાં જણાવ્યું હતું કે, તા. 13ના 15 ઓ.પી.ડી.માં 1341 દર્દીઓને ચકાસી રિપોર્ટ મેળવી અને સારવાર અપાઇ હતી એ સાથે આઇ.પી.ડી.માં અંદરના દર્દી તરીકે દાખલ થયેલા 540 દર્દીને સારવાર અપાઇ હતી. 154 જેટલા દર્દીઓને દવા આપવા ઉપરાંત બોટલ ચઢાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરાઇ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer