પૂર્વ કચ્છમાં અકસ્માતે ત્રણના જીવ ગયા

પૂર્વ કચ્છમાં અકસ્માતે ત્રણના જીવ ગયા
ગાંધીધામ, તા. 14 : અંજાર તાલુકાના જરૂ ગામમાં ભેંસના રસ્સા સાથે અકસ્માતે ઢસડાઈ ગયેલા રાહુલ બાબુજી ઠાકોર (ઉ.વ.14) નામના કિશોરને ઈજાઓ પહોંચતાં તેનું મોત થયું હતું. બીજી બાજુ મુંદરાના નાના કપાયા રોડ ઉપર આગળ જતી રિક્ષા પાછળથી આવતી ટ્રકની હડફેટે ચડતાં રિક્ષામાં સવાર માંડવીના શિવજી ડાયા મારવાડા (ઉ.વ.45) નામના યુવાનનું મોત થયું હતું, તેમજ ગાંધીધામમાં અગાઉ અકસ્માતમાં ઘવાયેલા બાબુ કરસન પરમાર (ઉ.વ.45) નામના યુવાને પણ જીવ ગુમાવ્યો હતો. જરૂ ગામની સીમમાં જયંતીલલા પૂંજા સથવારાની વાડીએ ગઈકાલે સાંજે અપમૃત્યુનો બનાવ બન્યો હતો. રાહુલ નામનો કિશોર ભેંસને પાણી પીવડાવવા માટે લઈ જતો હતો દરમ્યાન અચાનક ભેંસ ભડકી હતી અને તેનો રસ્સો આ કિશોરમાં ફસાઈ ગયો હતો.  પરિણામે હતભાગી ઢસડાતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી,જેમાં તેનું મોત થયું હતું. આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. બીજો બનાવ આજે બપોરે મુંદરાના નાના કપાયા રોડ ઉપર ફાયર હોટેલની બાજુમાં બન્યો હતો. રિક્ષા નંબર જીજે 12 એયુ 417માં શિવજી તથા ઝુલેખાબેન પિંજારા સવાર થઈને જઈ રહ્યા હતા. દરમ્યાન પાછળથી દોડતી આવતી ટ્રક નંબર જીજે 12 એયુ 8059એ આ રિક્ષાને ઠોકર મારી હતી, જેમાં ગંભીર ઈજાઓના પગલે શિવજી નામના યુવાનનું મોત થયું હતું. જ્યારે ઝુલેખાબેનને સારવાર અર્થે ખસેડાયા હતા. ટ્રકના ચાલક વિરુદ્ધ રહીમ સલીમ ખલીફાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ એક જીવલેણ બનાવ ગાંધીધામના કાર્ગો ઝૂંપડપટ્ટી નજીક એકતાનગર વળાંક ઉપર બન્યો હતો. બાબુભાઈ પરમાર નામનો યુવાન ગત તા. 9/11નાં રાત્રે પગપાળા જઈ રહ્યો હતો. દરમ્યાન રિક્ષાએ ટક્કર મારતાં આ યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન આજે વહેલી પરોઢે આ યુવાને અંતિમ શ્વાસ લીધા હતા. આ ત્રણેય બનાવોમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer