ભુજ-ભચાઉ માર્ગના દુધઇ અને ધમડકા પાસેના ખાડાં પૂરવામાં આવ્યા

ભુજ-ભચાઉ માર્ગના દુધઇ અને ધમડકા પાસેના ખાડાં પૂરવામાં આવ્યા
નવી દુધઇ, તા. 14 : ભુજ-ભચાઉ દુધઇ હાઇવે પર વરસાદના કારણે પડેલા રસ્તાઓમાં મોટા ગાબડાં પુરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ભચાઉથી ભુજ હાઇવે પર જ્યાં જ્યાં રસ્તાઓમાં ખાડાં અથવા આખો રસ્તો ખરાબ હશે ત્યાં ખોદીને રોડનું કામ કરવામાં આવશે. આ રસ્તાનું કામ આખરે ચાલુ થતાં આજુબાજુ ગામના લોકો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકોના જીવમાં હવે જીવ આવ્યો છે. લોકોએ આ કામ ચાલુ થયાનો યશ કચ્છમિત્રમાં પ્રસિદ્ધ થયેલા `એક નજર અહીં'ને આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આગળ જતા ધમડકા (તા. અંજાર) છેલ્લા ઘણા સમયથી ધમડકા નદી પાસેથી લઇ ધમડકા બસ સ્ટેન્ડ સુધી અતિશય જર્જરિત હાલતમાં રોડની સ્થિતિ હતી, અનેક ગણાય નહીં એટલા ખાડા પડી ગયા હતા. રસ્તાની હાલતના લીધે અને તંત્રની બેદરકારીને લઇ અનેક લોકો મોતના મુખમાં ધકેલાયા હતા. અંતે તંત્રની નિંદ ઊડી અને આજે સવારથી ખાડા પૂરવાનું કામ શરૂ કરાયું છે જેના લીધે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને એવી લાગણી દર્શાવી હતી કે હવે કમસેકમ અકસ્માતમાં ઘટાડો થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer