સખાવતનો નવતર પ્રયોગ કરીને રામાણિયાનાં દેવીપૂજક પરિવારે પિતૃઓને રાજી કર્યા

મુંદરા, તા. 14 : વરસ નબળું હોય ત્યારે લીલો તો ઠીક પણ સૂકા ચારા માટે પણ ચારેબાજુથી લાવ લાવ થતી હોય છે... પણ જો કુદરત મહેબાન બને તો કચ્છી શ્રમિક કે ધરતીપુત્રો પણ કેવી ઉદાર ભાવનાથી ઊભા મોલ ગાયોને ચરવા સોંપી દે છે તેનું દૃષ્ટાંત રામાણિયા ગામે પૂરું પાડયું છે. વાત છે રામાણિયાના શ્રમજીવી પરિવાર સ્વ. રત્નાભાઇ વેલજીભાઇ પટણી (દેવીપૂજક) એ પોતાના પિતૃઓના સ્મર્ણાથે પોતાની 20 એકર જમીનમાં ઊભેલી લીલી જુવારને ગાયોના ભેલાણ માટે મૂકી દીધી. ગામની ગાયોએ સ્થળ ઉપર જઇ લીલી જુવાર ચરી.... રામાણિયા ગામના આગેવાન બળવંતસિંહ ગોહિલે ભેલાણની તસવીરો મોકલી વિગત જણાવી ત્યારે નાના કિસાનની ઉદારતાની વાત સપાટી ઉપર આવી. સખીદાતાઓની સખાવત કરતાં પણ મોટી સખાવત આ દેવીપૂજક શ્રમિક પરિવારે કરી બતાવી છે. કચ્છીઓના હૃદયમાં સમયની થપાટોએ અભાવને ભરી નાખ્યો છે તો સાથેસાથે ઉદાર દિલેરી પણ ઠસોઠસ ભરી છે. સલામ એ દેવીપૂજકને.