ખેડૂતોને સંલગ્ન પ્રશ્નો માટે જરૂર પડયે આમ આદમી પાર્ટી લડત કરશે

ખેડૂતોને સંલગ્ન પ્રશ્નો માટે જરૂર પડયે આમ આદમી પાર્ટી લડત કરશે
અંજાર, તા. 14 : ગુજરાતના ખેડૂતો અતિવૃષ્ટિ, વાવાઝોડા, માવઠાનો ભોગ બન્યા છે. એમના ખેતરોમાં ઊભેલા પાકોને પારાવાર નુકસાન પહોંચ્યું છે. મોટાભાગના પાકો નિષ્ફળ ગયા છે. ગુજરાતનો ખેડૂત, સરકારની કહેવાતી ખેડૂત-વિરોધી નીતિઓને લીધે અસ્તિત્વની લડાઇ લડતાં જીવી રહ્યો છે. તેમાં આવા કુદરતી મારને લીધે એ વધુ કંગાળ બની ગયો છે તેવું આમ આદમી પાર્ટી કચ્છએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું. દેશની સરકારે ખેડૂતોને જાણી-બુઝીને મોતના મોમાં ધકેલી દીધા છે. છેલ્લા દાયકામાં દેશના લાખો ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી છે એ દેશ માટે ખૂબ મોટી કલંકિત ઘટના છે. અત્યારની પરિસ્થિતિમાં  ગુજરાતના ખેડૂતો માટે સરકારે તાત્કાલિક રાહતના પગલાં લેવા અનિવાર્ય છે તેવું કહી આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતોના હિતમાં ગુજરાત સરકાર પાસે ત્રણ માગણીઓ આ આવેદનપત્રમાં રજૂ કરી હતી. ખેડૂતોને થયેલા નુકસાનને ભરપાઇ કરવા માતબર રકમનું પેકેજ જાહેર  કરી તેનો તાત્કાલિક અમલ કરાય  તેવી રજૂઆત કરાઇ હતી. જો આ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ખેડૂતો અને ખેડૂતોના સમર્થકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી પણ પ્રમુખ રોશનઅલી સાંઘાણી અને અન્યોએ આવેદનપત્રમાં આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer