ઓવરલોડ-દારૂની હેરફેર વકરવાની ભીતિ

ભુજ, તા. 14 : વ્યૂહાત્મક રીતે અદકેરું મહત્ત્વ ધરાવતા અને આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા કચ્છ જિલ્લામાં અવરજવર કરતા હજારો નાના-મોટા વાહનો જ્યાંથી દરરોજ પસાર થાય છે તેવી આ જિલ્લાના પ્રવેશદ્વારે આવેલી સામખિયાળી આર.ટી.ઓ. ચેકપોસ્ટ સહિત રાજ્યની 20 ચેકપોસ્ટનો આગામી તા. 20મીથી સંકેલો કરી લેવાનો નિર્ણય સરવાળે ફાયદેમંદ થવાના બદલે ઘાટારૂપ સાબિત થવાની દહેશત અનુભવીઓ અને તજજ્ઞો વ્યકત કરી રહ્યા છે. આધુનિક ટેકનોલોજીના જમાનામાં એક બાજુ જ્યારે સ્કેનર અને સી.સી. ટી.વી. તથા ઓટોમેટિક વજનકાંટા જેવા ઉપકરણો અને યંત્રો સાથે ચેકપોસ્ટોને અદ્યતન ટચ આપવો આવશ્યક બન્યો છે તેવા સમયે સરહદી વિસ્તારોને આવરી લેતી મહત્ત્વની સહિતની ચેકપોસ્ટો બંધ કરવાથી ધોરીમાર્ગો ઉપરની વાહનોની યાતાયાત ઉપરની બાજનજર હળવી બની જવાની અને ઓવરલોડ અને ભ્રષ્ટાચાર સહિતની બદીઓ વધી જવાની ભીતિ પણ સેવાઇ રહી છે. તો ચેકપોસ્ટના અભાવ વચ્ચેના માહોલનો ગેરફાયદો ઉઠાવનારા રાષ્ટ્રને નુકસાન કરે તેવી પ્રવૃત્તિને અંજામ આપવા માટે પણ ઉત્તેજિત બને તેવી સંભાવનાઓને જાણકારો જરાયે હળવાશથી લેવા માગતા નથી. ભ્રષ્ટાચાર માટે ખરડાયેલી કચ્છની સામખિયાળી ઉપરાંત પડોશી જિલ્લા બનાસકાંઠાની પાંચ ચેકપોસ્ટ રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ 20મી નવેમ્બરથી બંધ થઇ જશે. આના લીધે રાજ્યના એક છેવાડાનો અત્યંત લાંબો કહી શકાય તેવો પટ્ટો ખુલ્લો અને અનિયંત્રિત બને તેમ છે. આ સ્થિતિમાં રાજસ્થાન અને હરિયાણાથી થતી દારૂની હેરફેર વધે અને અન્ય અનિચ્છનીય પરિબળો પણ જન્મ લે તેવો મત વ્યકત કરાઇ રહ્યો છે. તો ઓવરલોડ જેવી બદીઓ પણ ફરી વકરવાની પૂરી સંભાવના જોવાઇ રહી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer