ભૂકંપ પુન:વસન સંદર્ભે નેપાળનું પ્રતિનિધિ મંડળ કચ્છમાં

ભુજ, તા. 14 : 2015માં નેપાળમાં આવેલા ભૂકંપ બાદ કાર્યરત પુન:વસનની કામગીરી અંતર્ગત કચ્છ જિલ્લાની પુન:વસનની કામગીરીના સંદર્ભમાં અવલોકન, માર્ગદર્શન અને પ્રેરણા મેળવવાના ઉદેશ સાથે નેપાળના ગોરખા જિલ્લામાંથી મેયર અને ડેપ્યૂટી મેયર કક્ષાના અધિકારીઓ સાથેનું ડેલિગેશન હાલે કચ્છ આવ્યું છે.2001માં કચ્છમાં આવેલા વિનાશક ધરતીકંપ બાદ જિલ્લામાં થયેલી ઝડપી અને ઉત્કૃષ્ટ પુન:વસનની કામગીરીના પરિપ્રેક્ષ્યમાં જિલ્લા કલેક્ટર એમ. નાગરાજનના અધ્યક્ષસ્થાને નેપાળ ડેલિગેશન સાથે જિલ્લા વહીવટીતંત્રની બેઠક યોજવામાં આવી હતી. હુન્નર શાળા સંસ્થાન અને ઉન્નતિ ઓર્ગેનાઇઝેશન ફોર ડેવલપમેન્ટ એજ્યુકેશન દ્વારા નેપાળી ડેલિગેશન અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે સંકલનની કામગીરી કરવામાં આવી હતી. કચ્છ જિલ્લો પણ ભૂકંપ ઝોન-5માં સમાવિષ્ટ જિલ્લો હોઇ નેપાળ અને કચ્છ વચ્ચે ભૂકંપ સંબંધી પડકારોની સામ્યતા તેમજ આપત્તિ પ્રતિરોધન ક્ષમતા સબબ સંપોષિત વિકાસની તર્જ પર ક્ષમતાયુકત સમાજના નિર્માણ માટે પરસ્પર આદાન-પ્રદાન અને અન્વેષણયુકત ભાગીદારીથી કાર્ય કરવાની ખાતરી જિલ્લા કલેક્ટરે આપી હતી. નેપાળી પ્રતિનિધિ મંડળને `ભાડા' કચેરીના ચિરાગ ભટ્ટે પ્રેઝન્ટેશન દ્વારા ભૂકંપ બાદ ભુજમાં થયેલી પુન:વસનની કામગીરી અન્વયે લેવાયેલા પગલાંની માહિતી આપી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા,પ્રાંત અધિકારી મનીષ ગુરવાણી,મામલતદાર-ડિઝાસ્ટર શ્રી પ્રજાપતિ, ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસર જી.એસ.ડી.એમ.એ. સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer