નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશની અમલવારી અર્થે કચ્છ કલેકટર સક્રિય

ગાંધીધામ, તા 14 : કચ્છ ઊંટ ઉછેરક મંડળે જંગી તથા આસપાસના વિસ્તારમાં થતાં ચેરિયાં નિકંદન મુદે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એન.જી.ટી.)માં કરેલી અરજી સંદર્ભે ગત સપ્ટેમ્બર મહિને તેણે કરેલા હુકમ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવા જિલ્લા કલેકટર સક્રિય બન્યા છે. જિલ્લા સમાહર્તા એમ.નાગરાજને દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના મુખ્ય ઈજનેર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી, ડી.આઈ.એલ.આર.(ભુજ), ભચાઉ મામલતદાર, ભચાઉ પ્રાત અધિકારી, પૂર્વ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક તથા ગુજરાત રાજય કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી એમ સાત પક્ષકારોને પત્ર પાઠવીને એનજીટીના ચુકાદાનો અમલ કરવા નિર્દેશ આપ્યો છે. કલેકટરે લખેલા પત્રમાં જણાવાયું છે કે એનજીટી ચુકાદાના 22(2),  નંબરના પેરેગ્રાફ મુજબ સંયુકત સ્થળ મુલાકાત જરૂરી હોવાથી સબંધિત અધિકારીઓએ સંકલનમાં રહીને સંયુકત સ્થળ તપાસની તારીખ નિયત કરી, કાર્યવાહી દિવસ-3માં પૂર્ણ કરી કરાયેલી કાર્યવાહીની જાણ નાયબ વન સંરક્ષક, પૂર્વ કચ્છ વન વિભાગને કરવા સૂચવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer