નલિયાના મહિલા સરપંચનો પતિ સાથે જ્યુડિશિયલ કસ્ટડીનો કાળ લંબાયો

ભુજ, તા. 14 : અબડાસાના નલિયા જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને તેમના પતિની જામીન અરજી નલિયાની અદાલતે નામંજૂર કરી છે.  નલિયા સરપંચ રેખાબા જાડેજા અને તેમના પતિ રવુભા શિવુભા જાડેજા વિરુદ્ધ ગ્રામ પંચાયતની મિનિટ બુકમાં વિકાસ કામોની યાદીમાં વ્હાઈટનરથી છેક-છાક કરી ગેરરીતિ આચરાઈ હોવાની ગામના સુરેશસિંહ દશુભા જાડેજાએ ફરિયાદ નોંધાવ્યા બાદ બંને આરોપીઓએ આગોતરા જામીન સેશન્સ કોર્ટમાં માગ્યા હતા. કોર્ટે આગોતરા જામીનની અરજી નકાર્યા પછી નલિયા પોલીસે મંગળવારે સવારે સરપંચ દંપતીની ધરપકડ કરી હતી. આરોપીઓ દ્વારા નિયમિત જામીન અરજી નલિયા કોર્ટમાં કરાઈ હતી. જેનો આજે ગુરુવારે ચુકાદો આવતાં જામીન અરજી નલિયા કોર્ટે નામંજૂર કરી બંને આરોપીઓનો જ્યુડિશિયલ કસ્ટડી કાળ લંબાવ્યો હતો. દરમ્યાન આ કેસમાં તત્કાલીન તલાટી સહમંત્રી અને તપાસ દરમ્યાન જે હોય તે તાલુકા પંચાયતના અધિકારી, કર્મચારી સામે પણ આરોપ મુકાયો છે. ચકચારી એવા આ પ્રકરણની તપાસ માટે જિલ્લા પંચાયત તંત્ર પણ સાબદું બન્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer